15 September, 2025 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ૩૦ કિલોનો જૅક રસ્તા પર પડ્યો હતો.
મેટ્રોના કામ દરમ્યાન સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા લોકોની સુરક્ષા માટે કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવતાં એવી ફરિયાદ અનેક વાર કરવામાં આવી છે. મેટ્રોની કન્સ્ટ્રક્શન સાઇટ પર કરેલા ખાડામાં ડૂબવાથી બાળકોએ જીવ ગુમાવ્યાના બનાવ નોંધાયા છે અને તાજેતરમાં મેટ્રોની સાઇટ પરથી લોખંડનો સળિયો નીચેથી પસાર થતી રિક્ષામાં બેઠેલા પ્રવાસીના માથામાં ઘૂસી ગયો હતો. આવા બનાવો અટકવાનું નામ નથી લેતા. શનિવારે ભાઈંદર બ્રિજ નજીક મેટ્રો 9નું કામ ચાલતું હતું ત્યારે ૩૦ કિલોનો લોખંડનો જૅક ઉપરથી રસ્તા પર પડ્યો હતો. સદ્નસીબે એ વખતે ત્યાંથી કોઈ પસાર નહોતું થયું જેથી જાનહાનિ ટળી હતી.
આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો. વિડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ભાઈંદરના ઈસ્ટ અને વેસ્ટ છેડાને જોડતા બ્રિજના વિસ્તારમાંથી અનેક લોકો અને વાહનો પસાર થાય છે. નજીકમાં જ દુકાનો અને ગૅરેજ છે. નસીબજોગે આટલો ભારે જૅક રસ્તા પર પડ્યો ત્યારે ત્યાંથી કોઈ પસાર નહોતું થઈ રહ્યું. જો કોઈના પર આ જૅક પડ્યો હોત તો એ જીવલેણ નીવડ્યો હોત. વિડિયોમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી અને મહારાષ્ટ્ર મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડને ટૅગ કરવામાં આવ્યાં છે છતાં તેમના તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો નથી.