19 September, 2025 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ એકબીજા સાથે સહયોગ સાધીને એક ટ્રેનની બોગી ઉપર ચડી ગયેલી બીજી ટ્રેનની બોગી ઉતારવા ચોકસાઈ સાથે કામ કરતી જોવા મળી હતી. તસવીરો : સતેજ શિંદે
વેસ્ટર્ન રેલવેમાં મુસાફરી કરતા અનેક મુંબઈગરાઓ ગઈ કાલે રામ મંદિર સ્ટેશન પાસે એક મેલ ટ્રેન ઉપર બીજી ટ્રેનની બોગી ચડી ગયેલી જોઈને ચોંકી ગયા હતા. એ જોતાં કોઈ મોટો અકસ્માત થયો હોય એવું જણાઈ રહ્યું હતું. રેલવેના અનેક કર્મચારીઓ ત્યાં કામ કરતા નજરે ચડ્યા હતા. ઈવન મોટી ક્રેન પણ બોલાવવામાં આવી હતી. એથી લોકો એ અકસ્માત ક્યારે થયો, કેવી રીતે થયો એ જાણવા ઉત્સુક હતા. આટલો મોટો અકસ્માત મુંબઈમાં થયો તો એમાં કોઈ ઘાયલ થયું, કોઈ મૃત્યુ પામ્યું જેવા સવાલો તેમના મગજમાં ઘૂમરાઈ રહ્યા હતા. જોકે એ મૉક ડ્રિલ હોવાની તેમને પાછળથી જાણ થઈ હતી.
શું કરવામાં આવ્યું મૉક ડ્રિલમાં?
એક મેલ ટ્રેનના કોચ ઉપર બીજી ટ્રેનની બોગી ચડાવી દેવામાં આવી હતી અને ખરેખર અકસ્માત થયો હોય એવો જ સીન ક્રીએટ કરવામાં આવ્યો હતો. તસવીરો : સતેજ શિંદે
વેસ્ટર્ન રેલવેના કર્મચારીઓ કટોકટીની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કેટલા સક્ષમ છે, કેટલી જલદી તેઓ રિસ્પૉન્ડ કરે છે, તેમની કેવી તૈયારીઓ છે એ જાણવા ગઈ કાલે રામ મંદિર સ્ટેશન પાસે મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૉક ડ્રિલમાં રેસ્ક્યુ ટીમ્સ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, મેડિકલ સ્ટાફ, વૉલન્ટિયર્સ અને અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.