12 June, 2025 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં લોકો એક જ ટિકિટ કઢાવીને અલગ-અલગ બસમાં સરળતાથી પ્રવાસ કરી શકે એ માટેની ગોઠવણ કઈ રીતે કરી શકાય એ નક્કી કરવા માટે રાજ્ય સરકારે ૧૨ સભ્યોની એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના જનરલ મૅનેજર આ ટાસ્ક ફોર્સના વડા હશે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેલવપમેન્ટ ઑથોરિટીના ટ્રાન્સપોર્ટ ઍન્ડ ટ્રાફિક ડિપાર્ટમેન્ટના વડાને આ ટાસ્ક ફોર્સમાં સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે.
આ સિવાય થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, વસઈ-વિરાર, મીરા-ભાઈંદર, ભિવંડી-નિઝામપુર, ઉલ્હાસનગર અને પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર પણ આ ટાસ્ક ફોર્સની પૅનલ પર હશે. તેમની સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપિલ કૉર્પોરેશન (BMC) અને MMRDAના ઍડિશનલ કમિશનર પણ પૅનલ પર હશે એમ રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે બહાર પાડેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR)માં જણાવ્યું છે.
ટાસ્ક ફોર્સની પૅનલ MMRની બધી જ પબ્લિક ટ્રાન્સપોર્ટની બસમાં એક જ ટિકિટ લઈને પ્રવાસ કરી શકવાની ગોઠવણ કરશે, જેથી લોકો MMR રીજનમાં સરળતાથી પ્રવાસ કરી શકે.