મુંબઈ: સ્કૂટર ચલાવતી વખતે વૉટ્સઍપ વીડિયો કૉલ બન્યો જીવલેણ, કાંદિવલીમાં 32 વર્ષીય વ્યક્તિનું અકસ્માતમાં મોત

02 November, 2025 04:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અકસ્માત દરમિયાન જ્યારે પીડિતનું સ્કૂટર ઝડપી ગતિએ શતાબ્દી હૉસ્પિટલ નજીક સ્પીડ બ્રેકર સાથે અથડાયું, ત્યારે તે હવામાં ઉછળીને રસ્તા પર પડી ગયો. યાદવે પોતાની સુરક્ષા માટે હૅલ્મેટ પહેર્યું ન હતું, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થતાં તેનું મૃત્યુ થયું.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મુંબઈના કાંદિવલી પશ્ચિમ ભાગમાં શુક્રવારે એક અત્યંત દુઃખદ અકસ્માતની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એક ૩૨ વર્ષીય વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિ અકસ્માત પહેલા ખૂબ જ ઝડપે સ્કૂટર ચલાવી રહ્યો હતો અને વીડિયો કૉલ પર વાત પણ કરી રહ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, મૃતકની ઓળખ કરંતુ યાદવ તરીકે કરવામાં આવી છે, તે પોઈસરથી મલાડ તરફ પોતાની સ્કૂટર પર જઈ રહ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ અકસ્માત દરમિયાન યુવકે તેના એક હાથમાં ફોન પકડ્યો હતો જેના પર તે વૉટ્સઍપ વીડિયો કોલ વડે કોની સાથે વાત કરી રહ્યો હતો અને બીજા હાથે તે એકદમ ઝડપે બાઇક ચલાવી રહ્યો હતો.

અકસ્માત દરમિયાન જ્યારે પીડિતનું સ્કૂટર ઝડપી ગતિએ શતાબ્દી હૉસ્પિટલ નજીક સ્પીડ બ્રેકર સાથે અથડાયું, ત્યારે તે હવામાં ઉછળીને રસ્તા પર પડી ગયો. યાદવે પોતાની સુરક્ષા માટે હૅલ્મેટ પહેર્યું ન હતું, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેનું મૃત્યુ થયું પણ હોવાની માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી. તે કાંદિવલી પશ્ચિમમાં એક હૉટેલમાં વેઈટર તરીકે કામ કરતો હતો અને અંધેરી પૂર્વમાં રહેતો હતો. આ મામલે હવે પોલીસે રોડ અકસ્માતમાં મૃત્યુની ઘટના નોંધી છે, જોકે આ મામલે વધુ માહિતી મેળવવા અને રિપોર્ટ તૈયાર કરવા પોલીસ ઘટનાના આસપાસના વિસ્તારના સીસીટીવી કૅમેરાના ફૂટેજ તપાસી રહી છે.

દોડતી કાર પર ભેખડ મોત બનીને ત્રાટકી

મોત ક્યારે અને કેવી રીતે ત્રાટકશે એનું કંઈ નક્કી નથી હોતું. એવી જ એક ઓચિંતી ઘટનામાં પુણેનાં ૪૨ વર્ષનાં મહિલા સ્નેહલ ગુજરાતીનું બુધવારે મોત થયું હતું. તામ્હિણી ઘાટમાં ૩ દિવસથી પડી રહેલા વરસાદને કારણે છૂટી પડી ગયેલી ભેખડનો ટુકડો તેમની દોડતી કારની સનરૂફ પર પડ્યો હતો. કાચની સનરૂફ એને કારણ તૂટી ગઈ હતી અને ભેખડનો એ ટુકડો સ્નેહલ ગુજરાતીના માથા પર પટકાતાં તેમનું મોત થયું હતું.

પુણેના પિંપરી-ચિંચવડમાં રહેતા ગોવિંદદાસ ગુજરાતી તેમનાં ૪૨ વર્ષનાં પત્ની સ્નેહલ અને માતા સાથે માણગાવમાં આવેલા તેમના સંબંધીને ત્યાં સીમંતની વિધિ માટે જઈ રહ્યા હતા ત્યારે પુણે-માણગાવ રોડ પરના તામ્હિણી ઘાટમાંથી પસાર થતી વખતે કોન્ડેથર ગામ પાસે પહાડ પરથી ભેખડનો ટુકડો તેમની દોડતી કારની સનરૂફ તોડીને ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેસેલાં સ્નેહલ ગુજરાતી પર પડ્યો હતો. કાર તેમના પતિ ગોવિંદદાસ જ ચલાવી રહ્યા હતા. પથ્થર માથા પર પટકાતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. તેમને તરત જ માણગાવની સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ડૉક્ટરે તેમને દાખલ કરતાં પહેલાં તપાસીને મૃત જાહેર કર્યાં હતાં.`

kandivli road accident whatsapp mumbai news mumbai