01 May, 2026 08:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતી મુંબઈમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં સહાયક પોલીસ કમિશનર (ACP) રેન્કના અધિકારીને એક નાની બાળકી સામે અશ્લીલ હરકત કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
આરોપ મુજબ, અધિકારીએ મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલા એક બગીચામાં 9 વર્ષની બાળકી સામે પોતાના ગુપ્તાંગ પ્રદર્શિત કર્યા હતા. ઘટના સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.
પોલીસના સૂત્રો અનુસાર, આ ઘટના 23 એપ્રિલે બની હતી. ફરિયાદ મળતાં જ પોલીસે ઝડપથી તપાસ હાથ ધરી અને આરોપીને ઝડપી પાડ્યો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ બાળકી સામે અશ્લીલ વર્તન કર્યું હતું, જે ગંભીર ગુનો છે.
પોલીસે વધુમાં જણાવ્યું છે કે હાલ સુધી આ મામલે એક જ ફરિયાદ નોંધાઈ છે. આરોપી વિરુદ્ધ છેડછાડ તથા બાળકોને યૌન ગુનાઓથી સુરક્ષા આપતા કાયદા હેઠળ, એટલે કે POCSO Act હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં શુક્રવારે ટીનેજરની છેડતીની ઘટનામાં પોલીસને એક ઑડિયો-ક્લિપ મળી આવી છે. એવો આક્ષેપ થયો છે કે આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારના માણસની આ ઑડિયો-ક્લિપમાં સુરતમાં બનેલી ઘટનાને પગલે પાટીદારોને ભડકાવવા માટેનો પ્રી-પ્લાન હતો કે શું? સુરતના અલથાણ વિસ્તારમાં શુક્રવારે રાતે ચાલીસેક વર્ષના મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝ શેખે એક ટીનેજરનો હાથ પકડી બીભત્સ ઇશારા કરીને છેડતી કરતાં તેમ જ તેની સાથે જઈ રહેલી તેની ફ્રેન્ડની પણ છેડતી કરતાં મામલો બિચક્યો હતો અને મોટી સંખ્યામાં પાટીદાર સહિતના સમાજના લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો અને જબરદસ્ત હંગામો મચી ગયો હતો. શનિવારે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરતી વખતે પણ હોબાળો થયો હતો. સુરત પોલીસે આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરતાં એક ઑડિયો-ક્લિપ મળી આવી હતી. ચર્ચાઈ રહ્યું છે કે સુરતના અલથાણ વૉર્ડના ઉમેદવાર જીવરાજ પટેલનો કોઈ માણસ ઑડિયો-ક્લિપમાં વાત કરી રહ્યો છે. એમાં જીવાકાકાના નામ જોગ બે વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ હતી જેમાં ઢીલા પડવાનું નથી, જો આપણે ઢીલા પડીશું તો ક્રેડિટ બધી સંઘવી લઈ જશે એ મતલબની વાત થઈ રહી છે. પોલીસે આ ઑડિયો-ક્લિપના આધારે તપાસ શરૂ કરી છે. આ ઑડિયો-ક્લિપે અનેક સવાલો ઊભા કર્યા છે અને આ ઘટના બની એ પછી પાટીદારોને ઉશ્કેરવાનું કાવતરું કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને નુકસાન કરવાનો ઇરાદો હતો કે બીજું કંઈ એ મુદ્દે પણ પોલીસ તપાસ કરી રહી છે.