ફરી ચોમાસું આવશે ને ફરી બધે પાણી ભરાશે

26 April, 2022 09:03 AM IST  |  Mumbai | Sameer Surve

ચોમાસા પહેલાં ૨૩૦૦ કરોડ રૂપિયામાં ૬૦૮ રોડનું કામ શરૂ થવાનું હતું, અડધોઅડધ રસ્તાઓ પર જ કામ શરૂ થઈ શક્યું છે

ઘાટકોપર-વેસ્ટના સાઇનાથ નગરમાં રોડ િવભાગ અને વૉર્ડ ઑફિસ વચ્ચેના સંકલનને અભાવે રસ્તાનું કામ અટકી પડ્યું છે. (તસવીર : સૈયદ સમીર અબેદી)

મુંબઈમાં રોડનું રિપેરિંગ અટકી પડ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) દ્વારા જાન્યુઆરીમાં રોડના રિપેરિંગ માટે લગભગ ૨૩૦૦ કરોડ રૂપિયાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી એ મુજબ ચોમાસા પહેલાં ૬૦૮ માર્ગો પર (કુલ રકમમાંથી ૧૬૫૧ કરોડ રૂપિયા) કામ શરૂ થવાનું હતું, પરંતુ રોડ વિભાગના ડેટા અનુસાર એમાંથી ફક્ત ૩૦૮ માર્ગો પર જ કામ શરૂ થયું છે. બીએમસી આને માટે ટ્રાફિક-પોલીસનો વાંક કાઢતાં કહે છે કે કામ શરૂ કરવા માટે ટ્રાફિક વિભાગની પરમિશન જ નથી મળી. જોકે આ બધામાં સૌથી ખરાબ હાલત વેસ્ટર્ન સબર્બ્સની થવાની છે, જ્યાંના ૩૪૯ માર્ગો રિપેર કરવાના હતા, પણ ફક્ત ૨૧૩ માર્ગોનું જ કામ શરૂ થયું છે.

કાંદિવલીના ભૂતપૂર્વ કૉર્પોરેટર શિવકુમાર ઝાએ તેમના મતવિસ્તારમાં થોડા મહિના પહેલાં ત્રણ રોડ વર્ક્સ મંજૂર થયા હોવાનો દાવો કર્યો હતો, પણ હજી સુધી એ કામ શરૂ થયું નથી. 

ભૂતપૂર્વ કૉર્પોરેટર પ્રવીણ છેડાએ ઘાટકોપર-વેસ્ટ વિશે સમાન ફરિયાદ કરતાં કહ્યું હતું કે ‘રોડ વિભાગ અને વૉર્ડ-ઑફિસ વચ્ચે સહનિર્દેશનના અભાવે સાઈનાથ નગરના માર્ગનું રિપેરિંગ અટકી પડ્યું છે.’

ઍક્ટિવિસ્ટ સંજય ગૌરવે આક્ષેપ કર્યો હતો કે ‘મુંબઈ કૉર્પોરેશનના માર્ગનાં કાર્યો ખોરંભે ચડવાં એ દર વર્ષનું જ છે. દર વર્ષે કૉર્પોરેશન રોડ-રિપેરિંગના કામની જાહેરાત કરે છે અને કામ અટકી પડે છે. તેમણે યોગ્ય યોજના તૈયાર કરવી જોઈએ અને દરખાસ્તો મંજૂર કરતાં પહેલાં યોગ્ય પરવાનગી મળવી જોઈએ. સુધરાઈ હંમેશાં કામ માટેનો પ્લાન મેળવ્યા વિના જ દરખાસ્તો પસાર કરવાની ઉતાવળ શા માટે કરે છે?’

ભૂતપૂર્વ વિધાનસભ્ય રઈસ શેખે જણાવ્યું હતું કે ‘મુંબઈ સેન્ટ્રલમાં રોડ-રિપેરિંગનાં ૧૦ કામ મંજૂર થયાં હતાં, એમાંથી ફક્ત ત્રણ જ શરૂ થયાં છે. ટ્રાફિક નિયમનને ધ્યાનમાં રાખીને પોલીસ એકસાથે તમામ માર્ગોના રિપેરિંગની મંજૂરી આપી શકે નહીં, પણ કૉર્પોરેશને કૉન્ટ્રૅક્ટરને વર્ક ઑર્ડર્સ આપવા જોઈએ. જો કૉન્ટ્રૅક્ટરને વર્ક ઑર્ડર મળશે તો રિપેરિંગ શરૂ થાય, ત્યાં સુધી રોડની જાળવણી કરવાની તેમની જવાબદારી રહે છે. શહેર સુધરાઈ વર્ક ઑર્ડર ન આપીને કૉર્પોરેટર્સને મદદ કરી રહ્યું હોવાની શંકા જાય છે.’

મુંબઈ કૉર્પોરેશનના રોડ વિભાગ અનુસાર ઈસ્ટર્ન સબર્બ્સમાં ૧૩૮ માર્ગો રિપેર કરવાના છે, પણ એમાંથી ફક્ત ૫૪ માર્ગોનું કામ જ શરૂ થઈ શક્યું છે. શહેરમાં કૉર્પોરેશને ૧૨૧ માર્ગોનું રિપેરિંગ કરવાની યોજના ઘડી હતી, પણ એમાંથી ફક્ત ૪૧નું જ કામ શરૂ થયું હતું. વેસ્ટર્ન સબર્બ્સમાં ૩૪૯ માર્ગો રિપેર કરવાના હતા, પણ ફક્ત ૨૧૩ માર્ગોનું કામ જ શરૂ થયું.
મુંબઈ કૉર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે તબક્કાવાર કામ મંજૂર કરી રહ્યા છીએ. કેટલાંક સ્થળોએ અમે ટ્રાફિક-પોલીસની પરવાનગીની રાહ જોઈ રહ્યા છીએ.’ 
‍જોકે આ મામલે ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી. વેલરસુનો સંપર્ક સાધી શકાયો નહોતો.

રોડ રિપેરિંગનો પ્રસ્તાવિત ખર્ચ

તળ મુંબઈ રૂ. ૩૮૯ કરોડ
વેસ્ટર્ન સબઅર્બ્ઝ  રૂ. ૮૩૩ કરોડ
ઇસ્ટર્ન સબઅર્બ્ઝ  રૂ. ૪૨૯ કરોડ
કુલ રૂ. ૧,૬૫૧ કરોડ
mumbai mumbai news brihanmumbai municipal corporation mumbai monsoon mumbai rains