13 June, 2026 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ ઍરપોર્ટ પર ફરજ બજાવતા ૩૫ વર્ષના બાઉન્સર ગણેશ પવાર સાથે એક વિચિત્ર બનાવ બન્યો હતો. ૭ જૂને એક ઍપ-બેઝ્ડ કૅબને રોકવાનો તેણે પ્રયાસ કર્યો હતો, પણ કૅબ-ડ્રાઇવરે તેને ન ગણકારતાં કૅબ ભગાવી મૂકી હતી જેમાં બાઉન્સર કૅબની અડફેટે આવીને કારની નીચે ફસાઈ ગયો હતો અને કૅબ સાથે ઢસડાયો હતો.
સહાર પોલીસે જણાવ્યું હતું કે ‘બાઉન્સરને ગંભીર ઈજા થઈ છે અને અત્યારે તે ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં ઍડ્મિટ છે. આ ઘટનાના સાક્ષી રહેલા સિક્યૉરિટી ઇન્ચાર્જને પણ કૅબને રોકવા અને ગણેશ પવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે માથામાં ઈજા થઈ હતી. ઘટના પછી તરત જ કૅબ-ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.
સહાર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ડ્રાઇવર ડિપાર્ચર ગેટ-નંબર ૭ની બહાર પાર્કિંગ કરવા બદલ દંડથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ઍરપોર્ટના નિયમ વિરુદ્ધ એક પ્રવાસીને લઈ જઈ રહ્યો હતો. ટીમે ઍરપોર્ટ પરના CCTV કૅમેરાનાં ફુટેજમાંથી વ્હીકલનો નંબર મેળવ્યા બાદ તરત જ કૅબ-ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી અને તેની કૅબ પણ જપ્ત કરવામાં આવી હતી.’