ફડણવીસે એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ સચિન વઝેની ધરપકડની કરી માગણી

10 March, 2021 07:16 AM IST  |  Mumbai | Mid-day Correspondent

ફડણવીસે એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ સચિન વઝેની ધરપકડની કરી માગણી

દેવેન્દ્ર ફડણવીસ

થાણેના મનસુખ હિરણના મોતનું રહસ્ય હજી ઘૂંટાઈ રહ્યું છે ત્યારે તેની પત્ની વિમલા હિરણે એટીએસ (ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ)ના થાણે યુનિટના પોલીસ-સ્ટેશનમાં આ બાબતે એફઆઇઆર નોંધાવ્યો છે. એટલું જ નહીં, તેણે તેના સ્ટેટમેન્ટમાં તો ત્યાં સુધી કહ્યું છે કે મારા પતિ મનસુખ હિરણની હત્યા થઈ હોવાની મને ખાતરી છે અને મને શંકા છે કે એ હત્યા પોલીસ-ઑફિસર સચિન વઝેએ કરી હોઈ શકે. આ જ મુદ્દે આજે વિધાનસભામાં વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે જોરદાર રજૂઆત કરીને આ કેસમાં સચિન વઝેની ધરપકડની માગણી કરી હતી. તેમણે વિમલા હિરણના સ્ટેટમેન્ટના અંશો વિધાનભવનમાં વાંચી સંભળાવતાં કહ્યું હતું કે મનસુખ હિરણની પત્નીએ ચોખ્ખું કહ્યું છે કે તેમને ખાતરી છે કે તેમના પતિની હત્યા કરવામાં આવી છે અને એ સચિન વઝેએ કરાવી હોવાની શંકા છે તો પછી પોલીસ સચિન વઝેની ધરપકડ કેમ નથી કરતી? વહેલામાં વહેલી તકે સચિન વઝેની ધરપકડ કરવામાં આવે.

સચિન વઝે

વિમલા હિરણે પોલીસને આપેલા સ્ટેટમેન્ટને અહીં શબ્દશઃ રજૂ કર્યું છે...

‘મારા પતિ મનસુખ હિરણની થાણેની વંદના ટૉકીઝ પાસે ક્લાસિક કાર ડેકોર નામની દુકાન છે. અમારા ગ્રાહક ડૉ. પીટર ન્યુટનની સ્કૉર્પિયો તેમની સંમતિથી છેલ્લાં ત્રણ વર્ષથી અમારી પાસે છે અને અમારો પરિવાર એ સ્કૉર્પિયો વાપરે છે. પોલીસ-ઑફિસર સચિન વઝે પણ અમારા ગ્રાહક છે એથી મારા પતિ તેમને સારી રીતે ઓળખતા હતા. અમારી પાસેની એ સ્કૉર્પિયો મારા પતિએ નવેમ્બર ૨૦૨૦માં સચિન વઝેને વાપરવા આપી હતી, જે તેમણે ૧૫ ફેબ્રુઆરીએ તેમના ડ્રાઇવર સાથે પાછી મોકલાવી હતી. જોકે એ પછી એનું સ્ટિયરિંગ થોડું હાર્ડ હોવાનું મારા પતિએ નોંધ્યું હતું અને મને પણ એ વિશે તેમણે જણાવ્યું હતું.

વિમલા હિરણ

૧૭ ફેબ્રુઆરીએ મારા પતિ સ્કૉર્પિયો લઈને મુંબઈ જવા નીકળ્યા હતા, પણ મુલુંડ ટોલનાકા પાસે સ્ટિયરિંગ-વ્હીલ વધુ જામ થવા માંડતાં તેઓ કાર સાઇડમાં પર પાર્ક કરીને ઓલા-ઉબરમાં આગળ જવા નીકળી ગયા હતા. ૧૮ ફેબ્રુઆરીએ મારા પતિ અમારી દુકાનના નોકરને લઈને એ બગડેલી કાર લેવા ગયા હતા. તેમને કાર મળી નહોતી એથી તેમણે વિક્રોલી પોલીસ-સ્ટેશનમાં એ માટેની ફરિયાદ પણ નોંધાવી હતી.

૨૫ ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટકો ભરેલી એક સ્કૉર્પિયો મળી આવી હોવાના ન્યુઝ અમે ટીવી પર જોયા હતા, પણ એનો નંબર અલગ હોવાથી એ અમારી જ સ્કૉર્પિયો હતી એની ખાતરી થઈ શકી નહોતી. ૨૫ ફેબ્રુઆરીએ એટીએસના ઇન્સ્પેક્ટર સાળવીએ મારા પતિને ફોન કરીને ઘરની નીચે બોલાવ્યો હતો. જોકે એ ‍‍વખતે મારો દીકરો પણ તેમની સાથે ગયો હતો. તેમણે અમારી સ્કૉર્પિયોની વિગતો માગી હતી. મારા પતિએ એ ચોરાઈ ગઈ હોવાનું કહીને એની ફરિયાદની કૉપી અને ફોટો બન્ને તેમને બતાવ્યાં હતાં. ત્યાર બાદ ઘાટકોપરના પોલીસ-ઑફિસર અને એટીએસના શિવાજી ચવાણ મારા પતિને પૂછપરછ માટે એટીએસની વિક્રોલી ઑફિસે લઈ ગયા હતા અને બીજા દિવસે સવારે ૬.૩૦ વાગ્યે તેમને પાછા ઘરે મૂકી ગયા હતા.

૨૬ અને ૨૭ ફેબ્રુઆરીએ મારા પતિ ક્રાઇમ બ્રાન્ચના ઑફિસર સચિન વઝે સાથે પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ગયા હતા. બન્ને દિવસે તેઓ રાતે ૧૦.૩૦ વાગ્યે ઘરે આવ્યા હતા. મારા પતિએ મને કહ્યું હતું કે આખો દિવસ સચિન વઝે તેમની સાથે જ હતા. ૨૮મીએ પણ તેઓ સચિન વઝે સાથે ક્રાઇમ બ્રાન્ચ ગયા હતા. એ દિવસે તેમનું સ્ટેટમેન્ટ નોંધાયું હતું અને એની કૉપી તેમણે ઘરમાં રાખી હતી, જેના પર સચિન વઝેનું નામ અને સહી પણ છે.

૧ માર્ચે તેમને ભાયખલા પોલીસે પૂછપરછ માટે આવવા જણાવ્યું હતું, પણ તેઓ ગયા નહોતા. આખો દિવસ ઘરે જ હતા. બીજી માર્ચે જ્યારે દુકાનેથી પાછા ફર્યા ત્યારે તેમણે મને કહ્યું કે તેઓ એ દિવસે પણ સચિન વઝે સાથે મુંબઈ ગયા હતા અને ઍડ્વોકેટ ગિરિ પાસે જઈને પોલીસ દ્વારા તેમને વારંવાર તપાસ માટે બોલાવાતાં અને મીડિયાના પ્રતિનિધિઓના પણ સતત ઇન્ફર્મેશન મેળવવા માટે આવતા ફોનને કારણે કંટાળી ગયા હતા. એ બદલ તેમણે ઍડ્વોકેટને મળીને લેખિતમાં ફરિયાદ તૈયાર કરાવી હતી; જે મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન, પોલીસ-કમિશનર મુંબઈ અને થાણેને આપવામાં આવી હતી. મેં તેમને પૂછ્યું પણ હતું કે શું પોલીસ તમારી મારઝૂડ કરે છે? કોઈ ત્રાસ આપે છે? ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું હતું કે મારઝૂડ નથી કરતા કે ત્રાસ પણ નથી આપતા, પણ મેં મારો જવાબ નોંધાવ્યો હોવા છતાં અલગ-અલગ પોલીસના એ માટે ફોન આવે છે એટલે ફરિયાદ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે એમ છતાં તેઓ ટેન્શનમાં હોવાનું અમને ક્યારેય જણાયું નથી અને ઘરમાં તેઓ હસી-મજાક કરતા રહેતા હતા.

૩ માર્ચે મારા પતિએ રાતે દુકાનેથી ઘરે આવીને મને કહ્યું કે સચિન વઝે મને કહે છે કે એ કેસમાં અરેસ્ટ થઈ જા. બે-ત્રણ દિવસમાં તને જામીન પર બહાર કાઢી લઈશ. ત્યારે મેં મારા પતિને કહ્યું કે તમારે અરેસ્ટ થવાની કોઈ જરૂર નથી. આપણે કોઈની સલાહ લઈશું. એ વખતે તેઓ થોડા ટેન્શનમાં હતા. બીજા દિવસે સવારે તેમણે મારા દિયર વિનોદને ફોન કરીને કહ્યું કે કદાચ મારી ધરપકડ થાય તો તું મારા માટે કોઈ સારો વકીલ શોધી રાખજે. મારા દિયરે મને તેમના મૃત્યુ બાદ કહ્યું કે તેણે વકીલ સાથે વાત કરી હતી, જેમાં વકીલે કહ્યું હતું કે આપણે ગુનો જ નથી કર્યો એટલે આગોતરા જામીન લેવાની જરૂર નથી અને છતાં જો આપણે કોર્ટમાં અરજી કરીશું તો કોર્ટ એ નહીં સ્વીકારે. તેમણે આ બાબત મારા પતિને પણ ફોન કરીને કહી હતી.

૪ માર્ચે તેઓ રાતે ૮.૩૦ વાગ્યે ઘરે પાછા આવી ગયા એટલે મેં પૂછ્યું પણ ખરું કે કેમ આજે વહેલા આવી ગયા? શું વાત છે? ત્યારે તેમણે મને કહ્યું કે કાંદિવલીથી પોલીસ-ઑફિસર તાવડેનો ફોન આવ્યો હતો, મને મળવા બોલાવ્યો છે. મારે તેમને મળવા જવાનું છે. મેં તેમને કહ્યું કે રાતનો સમય છે, એકલા શું કામ જાઓ છો? તો કહે કે આપણા જ પોલીસ છે. તેમની સલાહ લેવા જ ઘોડબંદર જાઉં છું. તેમણે મને મોટરસાઇકલની ચાવી આપી એટલે મેં તેમને પૂછ્યું કે ઘોડબંદર કઈ રાતે જા‍ઓ છો? તો કહ્યું કે હું રિક્ષામાં જાઉં છું. એ પછી તેઓ નીકળી ગયા હતા. રાતે ૧૧ વાગ્યે મેં તેમને ફોન કર્યો હતો, પણ તેમનો ફોન સ્વિચ્ડ-ઑફ આવતો હતો. તેમના બન્ને ફોન પર મેં ટ્રાય કરી હતી અને વૉટ્સઍપ પર પણ કૉલ કર્યા હતા, પણ બન્ને નંબર સ્વિચ્ડ-ઑફ આવતા હતા. તેઓ ક્યારેય તેમનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ રાખતા નહોતા એથી અમને ચિંતા થઈ. ઘણી વાર રાહ જોયા બાદ મધરાતે ૧.૩૦ વાગ્યે મેં મારા જેઠ વિનોદને જાણ કરી હતી. એ વખતે તેમણે કહ્યું કે મનસુખે મને સચિન વઝેનો નંબર આપી રાખ્યો હતો અને જો કોઈ પ્રૉબ્લેમ હોય તો ફોન કરવા જણાવ્યું હતું. એથી તેમણે સચિન વઝેને ફોન કર્યો હતો. ત્યારે સચિન વઝેએ તેમને કહ્યું હતું કે કોઈ પણ પોલીસ-ઑફિસરને મળતાં પહેલાં મનસુખ મને જાણ કરીને જતો હતો. આજે મને પૂછ્યા વગર કેમ નીકળી ગયો. ત્યાર બાદ અમે સવાર સુધી રાહ જોવાનું અને સવારે તેમની મિસિંગની ફરિયાદ નોંધવાનું નક્કી કર્યું હતું. સવારે મારા જેઠ અને મારા દીકરા મિતે નૌપાડા પોલીસ-સ્ટેશનમાં તેમના મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. અમે ચિંતામાં હતા. બપોરે ૩.૩૦ વાગ્યે મને મિતે ફોન કરીને કહ્યું કે તેમનો મૃતદેહ મુમ્બ્રાની ખાડીમાંથી મળી આવ્યો છે. તેમના મોઢા પર એ વખતે સ્કાર્ફ હતો અને મોઢામાં પાંચ-છ રૂમાલ ખોસેલા મળ્યા હતા. મારા પતિ બહુ સારા સ્વિમર હતા. તેઓ ડૂબીને મરી જ ન શકે. જ્યારે તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે તેમણે તેમના મોઢા પર પાયોનિયર કંપનીનો કાળો માસ્ક પહેર્યો હતો. તેમની પાસે બે મોબાઇલ હતા. ગળામાં દોઢ તોલાની સોનાની ચેઇન હતી. તેમણે પોખરાજવાળી વીંટી પહેરી હતી. કાંડા પર ટાઇટન કંપનીનું ઘડિયાળ હતું. પર્સમાં ૬-૭ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પણ હતાં અને કૅશ પણ હતી. જે વખતે તેમનો મૃતદેહ મળ્યો ત્યારે તેમની બૉડી પર ઉપરની કોઈ ચીજ નહોતી. આ બધું જોતાં મને ખાતરી થઈ ગઈ કે મારા પતિની હત્યા થઈ છે. આ હત્યા સચિન વઝેએ કરાવી હોવી જોઈએ એવી મને શંકા છે. આ જ કારણસર આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરું છું.

મને ખાતરી થઈ ગઈ છે કે મારા પતિની હત્યા થઈ છે. આ હત્યા સચિન વઝેએ કરી હોવી જોઈએ એવી મને શંકા છે. આ જ કારણસર આ ઘટનાની ઝીંણવટભરી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરું છું.
મારા પતિએ મને કહ્યું હતું કે આખો દિવસ સચિન વઝે તેમની સાથે જ રહેતા હતા. ૨૮મીએ પણ તે સચિન વઝે સાથે ક્રાઇમ બ્રાન્ચમાં ગયા હતા. એ દિવસે તેમનું સ્ટેટમેન્ટ નોંધાયું હતું, જેની કૉપી તેમણે ઘરમાં રાખી હતી. અેના પર સચિન વઝેનું નામ અને સહી પણ છે.
- વિમલા હિરણ

mumbai mumbai news mukesh ambani devendra fadnavis