25 November, 2024 07:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક ભયાનક કાર અકસ્માત થયો છે. વિલેપાર્લેમાં વેસ્ટર્ન એક્સપ્રેસ વે (Mumbai and Ahmedabad Road Accident) પર એક ઝડપી કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કૉલેજના બે વિદ્યાર્થીઓના મોત થયા હતા અને અન્ય બે ઘાયલ થયા છે. મળેલી માહિતી મુજબ મૃતકોની ઓળખ સાર્થક કૌશિક અને જલજ ધીર તરીકે થઈ છે, અકસ્માત સમયે બન્ને કારની પાછળની સીટ પર બેઠા હતા. અકસ્માત સમયે કારની ઝડપ 120 થી 150 કિમી પ્રતિ કલાકની હતી જે દરમિયાન ડ્રાઇવરે કાર પરનું કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો.
શનિવારની વહેલી સવારે વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર આ મોટો અકસ્માત થયો હતો, કથિત રીતે દારૂ પીને ડ્રાઇવિંગને કારણે આ ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું. અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત વિલે પાર્લેના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સવારે 4.30 વાગ્યે થયો હતો. મૃતકોની કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં બે 18 વર્ષના યુવકોના મોત (Mumbai and Ahmedabad Road Accident) થયા હતા. પીડિતો બાન્દ્રાથી ગોરેગામ જઈ રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે આગળની સીટ પર બેઠેલા 18 વર્ષના બે મિત્રો, જેડન જીમી અને સાહિલ મેંડા ઘાયલ થયા છે. અકસ્માત સમયે સાહિલ કાર ચલાવી રહ્યો હતો જેથી પોલીસે તેની ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું કે અકસ્માત સમયે કાર ચલાવી રહેલા આરોપીએ દાવો કર્યો હતો કે તેણે દારૂ પીધો ન હતો. જોકે, તેના બ્લડ સેમ્પલ તપાસણી માટે મોકલવામાં આવ્યા હતા. આરોપીએ દાવો કર્યો છે કે એક્સપ્રેસ વે લેવો કે વિલે પાર્લે સર્વિસ રોડ પર વળવું તે અંગેની મૂંઝવણને કારણે આ અકસ્માત થયો. આરોપી પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
અમદાવાદમાં પણ દારૂના નશામાં કાર ચાલકે મચાવ્યો હાહાકાર
ગુજરાતના અમદાવાદમાં સોમવારે દારૂના નશામાં એક યુવાન ડ્રાઇવરે તેની ઓવરસ્પીડિંગ ઑડી કાર (Mumbai and Ahmedabad Road Accident) વડે ચારથી પાંચ વાહનોને ટક્કર મારી હતી. આ ડ્રાઇવરે આંબલી-બોપલ રોડ પર તેની હરકતોથી ઘણા લોકોના જીવનને જોખમમાં મૂક્યા હતા. તેણે તેની લક્ઝરી કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અન્ય વાહનો સાથે અથડાયો હતો. આ ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ભયાનક અકસ્માત પછી ડ્રાઇવરને પણ સિગારેટ પીતો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓએ ડ્રાઇવરને કારમાંથી બહાર કાઢ્યો, તેને માર માર્યો અને તેને પોલીસને સોંપ્યો હતો.