મહાલક્ષ્મી રેસકોર્સ પર બનનારો સેન્ટ્રલ પાર્ક નિષ્ણાતોની દૃષ્ટિએ પર્યાવરણને નુકસાનકારક

21 February, 2026 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦૨ આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ અને પ્લાનર્સે આ રીડેવલપમેન્ટ અટકાવવાની અપીલ કરી

ફાઇલ તસવીર

સાઉથ મુંબઈમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્‌સ અરીના અને અન્ડરગ્રાઉન્ડ ટનલ તથા પાર્કિંગ સાથે ૩૦૦ એકરમાં બનનારા સેન્ટ્રલ પાર્કનો આર્કિટેક્ટ્સ અને પ્લાનર્સ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહાલક્ષ્મી રેસકોર્સ અને કોસ્ટલ રોડ સાઇટ્સને મર્જ કરીને ૩૦૦ એકરમાં સેન્ટ્રલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટમાં ઇન્ટરનૅશનલ લેવલની સ્પોર્ટ્સ ફૅસિલિટી અને ૫૦૦૦ વાહનો માટે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ-સિસ્ટમનો સમાવેશ થાય છે. જોકે આ પ્રોજેક્ટને ‘પાર્ક અપગ્રેડ’ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે એ વાસ્તવમાં આ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ છે. મુંબઈ આર્કિટેક્ટ્સ કલેક્ટિવના ૧૦૨ આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ અને પ્લાનર્સે આ રીડેવલપમેન્ટનો વિરોધ કર્યો છે. તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનરને પત્ર લખીને ચેતવણી આપી છે કે કોઈ પણ પ્રકારનું અન્ડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન મુંબઈની આ છેલ્લી બચેલી ઓપન સ્પેસને કાયમી ધોરણે નુકસાન પહોંચાડી શકે છે. રેસકોર્સ-સાઇટ અત્યારે પબ્લિક-પ્લેસ છે અને લોકો એનો વૉક અને એક્સરસાઇઝ કરવા માટે ઉપયોગ કરે છે.

રેસકોર્સનું ઇકોલૉજિકલ મહત્ત્વ અને જોખમ સમજો

રેસકોર્સની જમીન કુદરતી છિદ્રાળુ જમીન છે જે વરસાદી પાણીને શોષવા, ગ્રાઉન્ડ વૉટરને  રીચાર્જ કરવા અને પૂરનું જોખમ ઘટાડવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ જગ્યાએ અન્ડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન થાય તો આ જમીન એક કૉન્ક્રીટ-સ્લૅબ બની રહેશે જ્યાં વૃક્ષો ઊગી નહીં શકે અને નૅચરલ ઇકોસિસ્ટમનો નાશ થશે. મોટા પાયે થનારા બાંધકામથી ધૂળનું સ્તર વધશે અને શહેરમાં પ્રદૂષણની સમસ્યા પણ વધશે. પ્રસ્તાવિત અન્ડરગ્રાઉન્ડ ટનલ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (TOD)નાં ધોરણો અનુસાર આસપાસની પ્રૉપર્ટીની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI)માં વધારો કરી શકે છે. આ પ્રોજેક્ટ પાર્કના અપગ્રેડેશન માટે નહીં પરંતુ રિયલ એસ્ટેટના લાભ માટે છે એવું નિષ્ણાતોનું માનવું છે.

mahalaxmi racecourse mahalaxmi brihanmumbai municipal corporation mumbai mumbai news