ગૂગલપેથી રિક્ષાભાડું ચૂકવનારી ટીનેજરને ડ્રાઇવરે આ ઍપ પર મેસેજ કરીને હેરાન કરી

26 November, 2025 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીનેજરને મળવાની માગણી કરીને રિક્ષા-ડ્રાઇવર તેના બિલ્ડિંગમાં પહોંચી ગયો

ટીનેજરના મિત્રોએ રિક્ષા-ડ્રાઇવરને પકડીને બરાબર પાઠ ભણાવ્યો હતો

મીરા રોડની ૧૭ વર્ષની ટીનેજરને ગૂગલપેથી રિક્ષા-ડ્રાઇવરને પેમેન્ટ કરવું ભારે પડી ગયું હતું. ગૂગલપે પર જ રિક્ષા-ડ્રાઇવરે તેને મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું એટલું જ નહીં, તેને મળવા માટે તેના ઘર પાસે પણ પહોંચી ગયો. ટીનેજરના મિત્રોએ મળીને આ રિક્ષા-ડ્રાઇવરને બરાબર પાઠ ભણાવ્યો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

વાઇરલ થયેલા વિડિયોમાંથી મળતી માહિતી મુજબ ટીનેજરે ૨૩ નવેમ્બરે રાતે ૯.૩૫ વાગ્યે કાણકિયા રોડથી તેના ઘર સુધી રિક્ષા કરી હતી અને ગૂગલપે દ્વારા પૈસા ચૂકવ્યા હતા. ભાડું મળ્યા પછી ડ્રાઇવરે ગૂગલપે પર ટીનેજરને અયોગ્ય મેસેજ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે ટીનેજરની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ શોધીને તેના પર પણ મેસેજ મોકલ્યા હતા. ડ્રાઇવરે ટીનેજરને તેના ઘરની નજીકના બગીચામાં મળવાનું કહીને પૂનમ ગાર્ડન્સમાં ટીનેજરના ઘરની બહાર પહોંચી ગયો.

ટીનેજરના ફ્રેન્ડ્સને આખા મામલાની ખબર પડી હતી અને તેમણે રિક્ષા-ડ્રાઇવરને પકડવા માટે ચૅટનો જવાબ આપવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે ડ્રાઇવર ટીનેજરને મળવા પહોંચ્યો ત્યારે તેના મિત્રોએ તેને મારીને તેની પાસે માફી મગાવી હતી તેમ જ ફરી ટીનેજરનો પીછો ન કરે એવી ધમકી પણ આપી હતી.

આ કેસમાં કોઈ પોલીસ-ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વાઇરલ વિડિયો પર અનેક લોકોએ કમેન્ટ કરી છે કે આવા લોકોની ફરિયાદ કરવી જોઈએ જેથી તે અન્ય લોકોને આ રીતે પરેશાન ન કરે.

mira road Crime News mumbai crime news mumbai mumbai news