✕

નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બની કચ્છી ગર્લ માટે ગૌરવની ક્ષણ

25 November, 2026 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IIT-ખડગપુરના પ્લૅટિનમ જ્યુબિલી અવસરે દહિસરની દૃષ્ટિ ગાલાને વડા પ્રધાન સાથે સીધો સંવાદ સાધવાની તક મળી હતી.

નરેન્દ્ર મોદી સાથે દૃષ્ટિ ગાલા

પશ્ચિમ બંગાળના ખડગપુરમાં શરૂ થયેલી દેશની સૌપ્રથમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)ની સ્થાપનાનાં ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ૨૧ નવેમ્બરે પ્લૅટિનમ જ્યુબિલી સમારોહ યોજાયો હતો. આ ઐતિહાસિક અવસરે ખાસ ઉપસ્થિત રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘૭૫ વૉઇસિસ ફૉર વિકસિત ભારત’ પહેલ હેઠળ પસંદગીના ૭૫ વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો. હજારો વિદ્યાર્થીઓમાંથી પસંદગી પામેલા આ વિદ્યાર્થીઓમાં દહિસરની દૃષ્ટિ ગાલાને પણ વડા પ્રધાન સાથે સીધો સંવાદ સાધવાની તક મળી હતી.

મૂળ કચ્છના કાંડાગરા ગામની દૃષ્ટિ શીતલ કેકિન ગાલા IIT-ખડગપુરમાં ૨૦૨૪-૨૮ બૅચની સ્ટુડન્ટ છે. તે સંસ્થાના હજારો વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળે છે. આ ઉપરાંત તે ‘સ્ટુડન્ટ્સ વેલ્ફેર ગ્રુપ’ અને ‘ઇન્સ્ટિટ્યૂટ વેલનેસ ગ્રુપ’માં એક્ઝિક્યુટિવ હેડ તરીકે વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરે છે. વડા પ્રધાન સાથેનો તેનો વાર્તાલાપ યાદગાર રહ્યો હતો. નરેન્દ્ર મોદીએ તેની વાત ધ્યાનથી સાંભળી હતી અને પ્રશંસા કરી હતી.

અભ્યાસ અને સંસ્થામાં મહત્ત્વના પદ પર નેતૃત્વ કરવા ઉપરાંત દૃષ્ટિ IIT-ખડગપુરમાં રિસર્ચ ઇન્ટર્ન તરીકે કાર્યરત છે. અદાણી પોર્ટ્સ ઍન્ડ SEZ તેમ જ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનમાં ઇન્ટર્નશિપ કરી ચૂકી છે. દૃષ્ટિને મીડિયા સાથે વાત કરવાની છૂટ નથી, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેની તસવીર કચ્છી સમાજ માટે ગૌરવની ઘટના બની છે અને વાઇરલ થઈ છે.

dahisar kharghar iit bombay technology news narendra modi mumbai mumbai news indian institute of technology gujaratis of mumbai gujarati community news kutchi community