છત્તીસગઢમાં થયેલા ભયંકર અકસ્માતમાં જીવ ગુમાવનારી કાંદિવલીની ૨૪ વર્ષની બાઇકર રિદ્ધિ ઠક્કરના પિતા દિવ્યેશ ઠક્કરે પહેલી વાર મિડ-ડે સમક્ષ ઠાલવી વેદના
મમ્મી-પપ્પા સાથે રિદ્ધિ ઠક્કર.
૧૨ ઑગસ્ટે સવારે પોણાઆઠ વાગ્યે જ્યારે અમને ફોન આવ્યો કે રિદ્ધિનો અકસ્માત થયો છે ત્યારે અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તાત્કાલિક કોઈ ફ્લાઇટ નહોતી. બપોરે અઢી વાગ્યાની ફ્લાઇટમાં અમે નીકળ્યા ત્યારે પગમાં એક ડગલું ભરવાની તાકાત રહી નહોતી. માનવામાં જ નહોતું આવતું, કારણ કે રિદ્ધિ બેફામ ડ્રાઇવિંગ કરનારાઓમાંની હતી નહીં. છતાં શું કામ આવું થયું એ સવાલ થાય છે. એની સાથે એ પણ સમજાતું નથી કે અકસ્માત પછી એ વિસ્તારમાં ઘણી સારી હૉસ્પિટલો હોવા છતાં તેને જનરલ હૉસ્પિટલમાં કેમ લઈ જવાઈ? અકસ્માત વખતે રિદ્ધિ ભાનમાં હતી અને શ્વાસ લઈ રહી હતી. જો સમયસર યોગ્ય સારવાર મળી હોત તો મારી દીકરી બચી શકી હોત. તેણે મને કહ્યું હતું કે ‘પપ્પા, હું ૧૮ ઑગસ્ટે ઘરે પાછી આવી જઈશ...’ મને શું ખબર કે મારી દીકરી સહીસલામત ઘરે પાછી આવવાને બદલે કાયમ માટે આ દુનિયા છોડીને જતી રહેશે.
છત્તીસગઢના નૅશનલ હાઇવે 30 પર સર્જાયેલા દર્દનાક હિટ-ઍન્ડ-રન અકસ્માતમાં જીવ ગુમાવનારી મુંબઈની ૨૪ વર્ષની જાંબાઝ બાઇકર રિદ્ધિ ઠક્કરના પિતા દિવ્યેશ ઠક્કરની ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં આ શબ્દો સાંભળીને પથ્થરદિલ માણસની આંખો પણ ભીની થઈ જાય. પુત્રીના અવસાન બાદ પ્રથમ વખત મીડિયા સાથે વાત કરતાં દિવ્યેશભાઈએ પોતાની હૃદયદ્રાવક વેદના અને ઘટના પાછળનાં કડવાં સત્યો રજૂ કર્યાં છે.
બન્યું જ કેવી રીતે?
કાંદિવલીમાં રહેતા અને રિદ્ધિ ટ્રેડર્સના નામે કૉસ્મેટિક્સનો બિઝનેસ કરતા દિવ્યેશભાઈ અને તેમનો પરિવાર અત્યારે ઇમોશનલી ભાંગી પડ્યો છે. ગયા વર્ષે કિડનીની બીમારીને કારણે રિદ્ધિનાં મમ્મીનું નિધન થયું. તેનો ભાઈ કૅનેડા રહે છે અને રિદ્ધિ તેના પિતા અને દાદી સાથે કાંદિવલીમાં રહેતી હતી. પિતા દિવ્યેશભાઈ કહે છે, ‘આ પહેલાં પણ રિદ્ધિ ઘણી વાર લાંબી બાઇક-ટૂર પર ગઈ છે. તે એટલી કૉન્ફિડન્ટ્લી અને સાવચેતી સાથે બાઇક ચલાવતી કે અમને ક્યારેય તેની ચિંતા રહી જ નથી. મને પોતાને બાઇકિંગનું પૅશન હતું, પણ હું એને અનુસરી ન શક્યો. એની તુલનાએ આ પેઢી ખૂબ જ ટૅલન્ટેડ છે અને પોતાનાં સપનાં પૂરાં કરવામાં પણ ઍક્ટિવ છે. જે હું ન કરી શક્યો એ મારી દીકરીને કરવાનું મન હોય તો હું સાથ આપું એમ વિચારીને મેં પોતે તેને બાઇક ચલાવતાં શીખવ્યું અને તેના ફ્રેન્ડ્સ પાસેથી તે થોડુંક શીખી. તે પૅશનથી બાઇકિંગ કરતી પણ પ્રોફેશનથી મેકઅપ આર્ટિસ્ટ હતી. બાવીસ વર્ષની ઉંમરે તેણે મેકઅપને લગતી પોતાની ઍકૅડેમી શરૂ કરી હતી. ઇન્ટરનૅશનલ સ્તરે યોજાયેલી ૧૫ દેશોની મેકઅપ કૉમ્પિટિશનમાં તેણે ભારતને રિપ્રેઝન્ટ કરેલું અને ફર્સ્ટ પ્રાઇઝ જીતી હતી. હું જે ૫૯ વર્ષની ઉંમરે પણ ન કરી શક્યો એ રિદ્ધિ બાવીસ વર્ષની ઉંમરે કરી ચૂકી હતી અને હજી તો કેટલાંય સપનાં હતાં જે તેણે પૂરાં કરવાનાં બાકી હતાં. તે જ્યારે પણ રાઇડ પર જતી ત્યારે મને અપડેટ આપતી. તે કહેતી, ‘પપ્પા, તમે ચિંતા ન કરો, હું સુરક્ષિત છું.’ જોકે આ વખતે દેશભરમાં તિરંગો લહેરાવવાની અને બસ્તરમાં શાંતિનો સંદેશ આપવાની ખુશીમાં ગયેલી મારી દીકરીનો મૃતદેહ ઘરમાં આવશે એવું અમે સપનેય વિચાર્યું નહોતું. આજે તેની વિદાય પછી તેના મિત્રવર્તુળમાંથી અમને એટલા બધા લોકોના ફોન અને મેસેજ આવી રહ્યા છે જે અમને પણ દંગ કરનારા છે કે કેટલા બધા લોકોનાં હૃદયમાં રિદ્ધિએ સ્થાન બનાવ્યું હતું.’
ભૂલ કોની?
અત્યારે સોશ્યલ મીડિયા પર ૭૦ ટકા વાતો ખોટી ફેલાવવામાં આવી રહી છે. કેટલીયે બાબતો એવી છે જેના સવાલો રિદ્ધિનો પરિવાર પણ શોધી રહ્યો છે, પણ તેમના નામે ખોટી વાતો ચલાવવામાં આવી રહી છે. રિદ્ધિને બાઇક પર વર્લ્ડ-ટૂર કરવી હતી અને મેકઅપ ઍકૅડેમીનું એક્સ્પાન્શન કરવું હતું. આવાં તો કેટલાંય સપનાં હતાં. તે દેખાદેખીમાં આવીને કોઈ કામ નહોતી કરતી એમ જણાવીને દિવ્યેશભાઈ કહે છે, ‘તે ઘણી લાંબી-લાંબી બાઇક-ટૂર કરી આવી છે. છત્તીસગઢ સરકારની તિરંગા યાત્રા રૅલીમાં દેશભરમાંથી લગભગ ૩૦ બાઇકરને સિલેક્ટ કરવામાં આવી હતી અને એમાં મુંબઈથી રિદ્ધિ હતી. આ પહેલાં તેણે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા યોજાયેલી આવી જ એક બાઇક-રૅલીમાં ભાગ લીધો હતો. ત્યાં બધા જ પ્રકારની વ્યવસ્થા પર્ફેક્ટ હતી પણ અહીં કેમ એવું નહોતું એ સવાલ મને પણ છે. મેં પણ લોકો પાસેથી વાતો સાંભળી છે અને સાચી હકીકતની જડ સુધી અમે હજી નથી ગયા, કારણ કે હજી તો દીકરી ગયાના આઘાતમાંથી જ નથી ઊભર્યા. બેશક, શું થયું અને કેવી રીતે થયું એની ઊંડી તપાસ અમે ચોક્કસ કરાવીશું. જો ત્યાં સેફ્ટી માટેના તમામ પ્રોટોકૉલ નહોતા અપનાવાયા કે ઑર્ગેનાઇઝરે સેફ્ટીને લઈને પૂરતું ધ્યાન નહોતું આપ્યું તો એ મુદ્દો રિદ્ધિની દૃષ્ટિએ પણ અને આવી અનેક દીકરીઓની સેફ્ટીની દૃષ્ટિએ પણ ગંભીર છે. શું કામ તેને ખરાબ હોય એવી જ બાઇક પર બેસીને આગળ વધવા દેવાની અનુમતિ એ ગ્રુપના ગ્રુપ-લીડરોએ આપી? શું કામ ઍમ્બ્યુલન્સ પાંચ મિનિટની અંદર ન મળી? શું કામ એક કલાક સુધી મારી દીકરી અકસ્માતના સ્થળે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતી પડી રહી? શું કામ તેને પહેલાં જ બધી સુવિધાઓ હોય એવી હૉસ્પિટલમાં ન લઈ જવામાં આવી? આવા અનેક પ્રશ્નો છે જેના જવાબ અમે શોધીશું. અમે છત્તીસગઢ ગયા ત્યારે ત્યાંના મેયર પણ અમને મળેલા. છત્તીસગઢ પ્રશાસન આ તપાસમાં અમને સપોર્ટ કરશે એવું આશ્વાસન મળ્યું છે. મને અત્યારે પણ લાગે છે કે જો તાત્કાલિક સારવાર મળી હોત તો મારી દીકરીને બચાવી શકાઈ હોત, પણ જે મારી દીકરી સાથે થયું એવું બીજા કોઈની દીકરી સાથે ન થવું જોઈએ.’
એક પિતાના આ સવાલો માત્ર આયોજકો સામેનો આક્રોશ નથી પણ એક બાપની અંદરનો વલોપાત છે જે પોતાની દીકરી સાથે છેલ્લી ક્ષણે શું બન્યું એ સત્ય જાણવા તડપી રહ્યો છે.
સૌને એક જ અપીલ અત્યારે સોશ્યલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે રિદ્ધિ મુંબઈથી પોતાની પ્રિય ‘રૉયલ એન્ફીલ્ડ હન્ટર 350’ લઈને એકલી રાયપુર સુધી ગઈ હતી. જે બાઇક પર તેને વર્ષોથી ભરોસો હતો, જેના હૅન્ડલિંગથી અને બ્રેક્સથી તે ટેવાયેલી હતી એ બાઇક છોડીને અચાનક અકસ્માત વખતે તે ‘બજાજ એવેન્જર’ કેમ ચલાવી રહી હતી? એ બાઇકમાં કદાચ કોઈ ટેક્નિકલ ખામી હતી. જે ગાડી તેને ફિટ નહોતી બેસતી એ તેણે કેમ ચલાવવી પડી? શું કામ બાઇકર્સ સવારે ૩ વાગ્યે જ નીકળી પડ્યા હતા? શું કામ ઍમ્બ્યુલન્સ, બૅકઅપ વ્હીકલ કે અન્ય રાઇડર્સ અકસ્માત વખતે તેની સાથે હાજર નહોતાં. આજે જ્યારે ઘણાં દીકરાઓ-દીકરીઓ બાઇકિંગ માટે બહાર નીકળી રહ્યાં છે ત્યારે આ પ્રશ્નો મહત્ત્વના છે. બાઇકર્સ અને તેમના પેરન્ટ્સને ઉદ્દેશીને દિવ્યેશભાઈ કહે છે, ‘તમે જ્યારે પણ બાઇક-રાઇડ માટે જાઓ અથવા તમારાં સંતાનો જવાનાં હોય ત્યારે તેઓ કોની સાથે જઈ રહ્યાં છે, જેમના દ્વારા આખું આયોજન થઈ રહ્યું છે તેમણે શું-શું સેફ્ટી-પ્રોટોકૉલનું પાલન કર્યું છે, તેમનો અનુભવ કેટલો છે, તેઓ સક્ષમ છે કે નહીં, કમિટ કરેલી ફૅસિલિટીઝ આપશે કે નહીં એ બધું ચકાસીને જ મોકલો. યુવાવર્ગને પણ હું કહીશ કે પ્લીઝ, દેખાદેખીમાં કોઈ પણ ગ્રુપ સાથે અમસ્તા જ બાઇકિંગના શોખ માટે નીકળી નહીં જતા. અમે મધ્ય પ્રદેશ સરકારના અનુભવના આધારે આ વખતે માની લીધું કે બધું બરાબર હશે, પરંતુ એવું બન્યું નહીં. તમે ભલે તમારા શોખને એન્જૉય કરો, પરંતુ યાદ રાખજો કે તમારું પૅશન તમારા જીવથી વધારે નથી. તમે પૂરતી ટ્રેઇનિંગ નથી લીધી તો દૂર-દૂરની ટૂર પર ન જાઓ. ઘણી વાર તમારી બેદરકારી તમારા માટે કે તમારા સાથી બાઇક-રાઇડર માટે પણ જોખમી નીવડી શકે છે.’