કન્સ્ટ્રક્શન ઍન્ડ ડિમોલિશનનો કાટમાળ ગમે ત્યાં ફેંકનારાઓની હવે ખેર નથી

04 May, 2026 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંધકામનો કચરો ક્યાં ઠલવાશે એના પર BMC રાખશે રિયલ ટાઇમ નજર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં દરરોજ પેદા થતા હજારો ટન કન્સ્ટ્રક્શન ઍન્ડ ડિમોલિશન (C&D) વેસ્ટના ગેરકાયદે નિકાલને રોકવા માટે BMCએ કમર કસી છે. BMCએ કાટમાળ પર નજર રાખવા ડિજિટલ પોર્ટલ વિકસાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ સિસ્ટમ દ્વારા બાંધકામમાં નીકળેલા કાટમાળના ટ્રાન્સપોર્ટેશન પર રિયલ ટાઇમ નજર રાખવામાં આવશે.

આ નવા પોર્ટલ હેઠળ ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA), મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઍથોરિટી (MHADA) જેવી સરકારી સંસ્થાઓએ તેમના પ્રોજેક્ટમાં ભેગા થતા કાટમાળની વિગતો ઑનલાઇન નોંધવી પડશે. કાટમાળની હેરફેર કરતાં તમામ વાહનોમાં વ્હીકલ ટ્રૅકિંગ ઍન્ડ મૉનિટરિંગ સિસ્ટમ (VTMS) ફરજિયાત બેસાડવી પડશે જેથી એ કચરો નક્કી કરેલા સ્થળે જ જાય છે કે નહીં એની ખાતરી કરી શકાય.

રોજનો કેટલો કાટમાળ?

મુંબઈમાં દરરોજ અંદાજે ૮૦૦૦ મેટ્રિક ટન કન્સ્ટ્રક્શન અને ડિમોલિશનનો કચરો નીકળે છે જે શહેરના કુલ ઘન કચરા જેટલો જ છે. અત્યાર સુધી કડક દેખરેખના અભાવે ઘણો કચરો ખુલ્લી જગ્યાએ કે ખાડીના કિનારે ફેંકાતો હતો. હવે નવા પોર્ટલ અને મોબાઇલ ઍપ દ્વારા ઉલ્લંઘન કરનારાઓ પર આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે.

કલેક્શન સિસ્ટમમાં સુધારો

BMCએ ૨૦૨૪ના ડિસેમ્બરથી કલેક્શન સિસ્ટમમાં સુધારો કર્યો છે. ૫૦૦ કિલો સુધીનો કાટમાળ મફત ઉપાડવામાં આવે છે. એનાથી વધુ જથ્થા માટે ટનદીઠ અંદાજે ૧૪૧૫થી ૧૪૨૫ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. હાલમાં દહિસર અને શીળફાટા ખાતેના પ્લાન્ટમાં આ કચરાનું રીસાઇક્લિંગ કરવામાં આવે છે. ડિસેમ્બર ૨૦૨૪થી અત્યાર સુધીમાં ૩.૧૫ લાખ મેટ્રિક ટનથી વધુ કાટમાળ ભેગો કરવામાં આવ્યો છે. 

mumbai news mumbai brihanmumbai municipal corporation mumbai metropolitan region mmr