03 November, 2025 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પાણી વધારે ભરાઈ જતું હોય એવા મુંબઈના વિસ્તારો અને સબવે માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ રિયલ ટાઇમ ફ્લડ વૉટર મૉનિટરિંગ નેટવર્ક શરૂ કર્યું છે. લાઇટ ડિટેક્શન ઍન્ડ રેન્જિંગ (LiDAR) ટેક્નૉલૉજીની મદદથી આ સિસ્ટમ કન્ટ્રોલ રૂમને પાણી ડેન્જર માર્ક પર પહોંચે એ પહેલાં જ આગોતરી ચેતવણી પૂરી પાડશે.
આ સિસ્ટમના સેન્સર્સનું નેટવર્ક પાણીના સ્તર અને વરસાદની તીવ્રતાને સતત ટ્રેક કરશે અને સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમમાં લાઇવ ડેટા મોકલશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘CCTV કૅમેરાના મૉનિટરિંગમાં માત્ર પાણીનાં દૃશ્યો દેખાય છે, જ્યારે આ મૉનિટરિંગ સિસ્ટમ પાણીના વધતા સ્તર સાથે એ ડેન્જર માર્કને પાર કરે ત્યારે ઑટોમૅટિક અલર્ટ આપે છે.’
આ વર્ષમાં ચોમાસું શરૂ થાય એ પહેલાં BMCએ મુંબઈમાં ૩૮૬ ક્રૉનિક ફ્લડ એરિયા શોધ્યા હતા. જોકે આ વર્ષના ભારે વરસાદને લીધે હવે એ યાદીમાં વધુ ૪૦ સ્થળો ઉમેરવામાં આવ્યાં હતાં. અત્યાર સુધી BMCની ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાતાં પાણીને ટ્રેક કરવા માટે CCTV કૅમેરાના મૉનિટરિંગ અને મૅન્યુઅલ રિપોર્ટિંગ પર આધાર રાખતી હતી.
કેવી રીતે કામ કરશે આ નવી સિસ્ટમ?
LiDAR સેટઅપ સાથેની નવી સિસ્ટમમાં રસ્તાની સપાટી અને પાણીની સપાટી પર લેઝર-લાઇટ છોડવામાં આવશે. લેઝર-લાઇટ બન્ને સપાટીને માપીને ભરાયેલાં પાણીની ચોક્કસ ઊંડાઈનો તાગ મેળવશે. એને લીધે પાણીનું રિયલ ટાઇમ રીડિંગ મળી શકશે. આ જ સેન્સર વરસાદના ટીપામાં પ્રકાશનું વિશ્લેષણ કરીને વરસાદની તીવ્રતા પણ શોધી લેશે.