BMCના ઇલેક્શન માટે BJPએ કરાવ્યો સર્વે : ૧૦૦ બેઠકો મળી શકે એવું તારણ

22 November, 2025 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહા વિકાસ આઘાડીમાં MNSની એન્ટ્રી, કૉન્ગ્રેસનો એકલા ચલો રેનો નારો

ફાઇલ તસવીર

બૃહન્મુંબઈ મ્યિનિસપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીઓને નજરમાં રાખીને  ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાની રીતે એક ઇન્ટર્નલ સર્વે કરાવ્યો હતો જેમાં તેમને ૧૦૦ બેઠકો મળી શકે એવું તારણ નીકળ્યું હતું. જોકે ૨૨૭ બેઠકની BMCમાં સ્વબળે ૧૧૪ બેઠકો જીતવી પડે છે. એથી  BJPએ સત્તા પર આવવા મહાયુતિના અન્ય સાથી-પક્ષોનો સહારો લેવો જ પડશે. સ્વબળે સત્તા પર નહીં આવી શકે એવું તારણ આ સર્વેમાં નીકળ્યું હતું.  

સર્વેમાં શિવસેના (UBT) અને કૉન્ગ્રેસના નગરસેવકો જ્યાંથી ગઈ ચૂંટણીમાં જીતી આવ્યા હતા એ બેઠકો પણ BJPને મળી શકે એવી શક્યતાઓ દર્શાવી છે. શિવસેના (UBT) પાસે હાલ ૩૮ નગરસેવકો છે. એમાં ૧૬ બેઠકો પર BJPના ઉમેદવાર જીતી શકે એવું સર્વેમાં કહેવાયું છે. જોકે આ માટે BJPએ સખત જોર લગાડવું પડશે એમ પણ એમાં જણાવાયું છે.

મહા વિકાસ આઘાડીમાં MNSની એન્ટ્રી, કૉન્ગ્રેસનો એકલા ચલો રેનો નારો

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીના સાથી-પક્ષોમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ને લેવા સંદર્ભે મતમતાંતર જોવા મળ્યા હતા. ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી બન્નેએ MNSને સાથે રાખવા સહમતી સાધી છે. ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે શરદ પવારને જઈને મળ્યા હતા અને એ બાબતે ચર્ચા કરી ચોખવટ કરી હતી. જોકે કૉન્ગ્રેસે એનું વલણ સ્પષ્ટ રાખ્યું છે. કૉન્ગ્રેસનાં વર્ષા ગાયકવાડે બુધવારે જ સ્પષ્ટ કર્યું હતું કે જો MNSને મહાવિકાસ આઘાડીમાં લેવાશે તો તેઓ BMCની ચૂંટણી એકલે હાથે લડવાનું પસંદ કરશે. જેને કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષ વર્ધન સપકાળે પણ સમર્થન આપ્યું હતું. એ પછી ગઈ કાલે કૉન્ગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ જાહેર કર્યું હતું કે તેઓ BMCની ચૂંટણી એકલે હાથે લડશે. 

brihanmumbai municipal corporation bmc election maharashtra navnirman sena bharatiya janata party shiv sena nationalist congress party congress mumbai mumbai news