21 March, 2026 01:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કોસ્ટલ રોડ પરની રિક્લેમ કરેલી ૭૭ હેક્ટર જમીન પર બ્યુટિફિકેશનનું કામ રિલાયન્સ ફાઉન્ડેશનને ફાળવવામાં આવ્યું છે, પણ BMC આ જમીન રિલાયન્સને આપે એ પહેલાં એને સમથળ કરવા માટે ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
રિલાયન્સને આ રિક્લેમ્ડ જમીનને બ્યુટિફાય કરવાનો અને કોસ્ટલ ગાર્ડન બનાવવાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે, જેનો અંદાજિત ખર્ચ ૪૦૦ કરોડ રૂપિયા છે. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રિલાયન્સ બધું કામ કરશે. હવે જમીનને સમથળ કરવાનું કામ BMC કરે એવું નક્કી કરવામાં આવ્યું છે. જમીનને ૯૦૦ મિલીમીટરની ઊંચાઈ સુધી માટીથી ભરવામાં આવશે અને એ મુજબ ચોમાસા પહેલાં વૃક્ષો વાવવામાં આવશે. અહીં કોસ્ટલ ગાર્ડન બનાવવા માટે એક પટ્ટામાં કામ શરૂ થઈ ગયું છે.
BMCએ રજૂ કરેલી ડિઝાઇન મુજબ પંચાવન ટકા વિસ્તાર જંગલ માટે, પચીસ ટકા ઓપન રેક્રીએશન માટે, ૧૦ ટકા વિસ્તાર પાથવે માટે અને ૧૦ ટકા પ્લાઝા માટે ઉપયોગમાં લેવાશે. કોસ્ટલ ગાર્ડનમાં ફૉરેસ્ટ એરિયા, મિયાવાકી માઇક્રોફૉરેસ્ટ પૉકેટ, અર્બન પાર્કલેન્ડ પૉકેટ્સ અને અર્બન વુડલૅન્ડ પૉકેટ્સ ઉપરાંત અનેક ફૅસિલિટીઝ હશે.