29 April, 2026 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ પર તોળાતા જળસંકટને ધ્યાનમાં રાખીને BMCએ ૧૫ મેથી ૧૦ ટકા પાણીકાપ લાદવાની જાહેરાત કરી છે. હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની આગાહી કરી છે જેના પગલે સાવચેતીના પગલારૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રી-મૉન્સૂન રિવ્યુ મીટિંગ બાદ પત્રકારો સાથે વાત કરતાં BMCનાં કમિશનર અશ્વિની ભિડેએ જણાવ્યું હતું કે ‘મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં હાલમાં માત્ર ૨૮.૩૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે ૧૦ ટકા કાપ વગર માત્ર ૬ જુલાઈ સુધી ચાલે એમ છે. જોકે ભાત્સા અને અપર વૈતરણા ડૅમમાંથી અનામત જથ્થાના વપરાશની રાજ્ય સરકાર મંજૂરી આપે અને ૧૦ ટકા પાણીકાપનો અમલ થાય તો આ પાણી ૧૭ ઑગસ્ટ સુધી ચલાવી શકાશે. કટોકટીની સ્થિતિ ટાળવા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.’