ગોવંડીના દીપક વાકચોરેને કાળ એલિફન્ટા ખેંચી ગયો

20 December, 2024 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિત્રોએ સાથે આવવાની ના પાડી હોવા છતાં ઘરે કંઈ પણ કહ્યા વગર એલિફન્ટા જવા નીકળી ગયા, પણ ઘરે પાછો તેમનો મૃતદેહ આવ્યો

દીપક વાકચોરે

નીલકમલ ફેરીની દુર્ઘટનામાં ગોવંડીના પચાસ વર્ષના દીપક વાકચોરેનું પણ મૃત્યુ થયું હતું. તેમના મિત્ર દેવેન ખરાતે તેમના વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘દીપક કન્સ્ટ્રક્શન અને પ્લમ્બિંગના નાના-મોટા કૉન્ટ્રૅક્ટ લેતો હતો. બુધવારે તેને એલિફન્ટા જવાનો વિચાર આવ્યો હતો. તેણે અમને મિત્રોને સાથે આવવા ફોન કરીને કહ્યું હતું, પણ કામને લીધે અમે ના પાડી દીધી હતી. આમ છતાં તે એકલો ગયો હતો, પણ તેણે નહોતું જણાવ્યું. ૧૭ વર્ષની દીકરીને કૉલેજમાં ડ્રૉપ કરીને તે એલિફન્ટા જવા નીકળી ગયો હતો.’

દીપકના મૃત્યુની જાણ કઈ રીતે થઈ એ વિશે જણાવતાં દેવેને વધુમાં કહ્યું હતું કે ‘સાંજે ચાર વાગ્યાની આસપાસ તેનો ફોન બંધ આવી રહ્યો હતો. એથી તેની વાઇફે અમને ફોન કરીને તેના વિશે પૂછ્યું હતું. અમે કહ્યું કે તે એલિફન્ટા જવાનું કહેતો હતો. જોકે થોડી જ વારમાં એલિફન્ટા જતી બોટ પલટી ખાઈ ગઈ હોવાની જાણ થવાથી અમને ધ્રાસકો પડ્યો હતો. અમે તેની વાઇફને લઈને ગેટવે ઑફ ઇન્ડિયા પહોંચ્યા હતા. ત્યાં તેની બાઇક પાર્ક કરેલી મળી આવી હતી. એ જોઈને એટલું તો પાકું થઈ ગયું કે તે ગેટવે ઑફ ઇ‌ન્ડિયા આવ્યો હતો. ત્યાર બાદ હૉસ્પિટલમાં તપાસ કરતાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. દીપકને સોનાના દાગીના પહેરવાનો શોખ હતો. તે હંમેશાં સોનાનાં બે કડાં પહેરતો હતો. હૉસ્પિટલમાં મૃતદેહ મળ્યો ત્યારે તેના હાથમાંથી સોનાનું એક કડું ગાયબ હતું. આ ઉપરાંત બુધવારે તેની પાસે ૬૦,૦૦૦ રૂપિયાની રોકડ હતી, પણ મૃતદેહ મળ્યો ત્યારે તેના ​ખિસ્સામાંથી માત્ર ૧૪,૦૦૦ રૂપિયા જ મળ્યા હતા.’ 

mumbai news mumbai govandi Crime News gateway of india