06 November, 2026 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સવારના સમયે ગરમીથી નજીવી કહી શકાય એવી રાહત અનુભવતા મુંબઈગરાઓએ ગઈ કાલે પણ આખો દિવસ તાપ સહન કરવો પડ્યો હતો. મુંબઈગરાઓએ ગઈ કાલે વહેલી સવારે ૨૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુભવ્યું હતું, જ્યારે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૬.૯ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. આગામી પાંચ-છ દિવસ પણ શહેરનું મહત્તમ તાપમાન ૩૫થી ૩૬ ડિગ્રીની આસપાસ જ રહેશે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હોવાથી મુંબઈગરાઓની દિવાળી હૉટ જ રહેશે એવી પૂરેપૂરી શક્યતા છે.
શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં મુંબઈમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ યથાવત્ છે અને આવનારા દિવસોમાં પણ ઠંડીની લહેર વર્તાય એવા કોઈ અણસાર દેખાતા ન હોવાનું હવામાન ખાતાનું કહેવું છે. નવેમ્બર મહિનામાં ઠંડકનો અનુભવ નહીંવત્ જેવો રહેશે એવું મુંબઈ હવામાન ખાતાના અધિકારીઓનું માનવું છે. જોકે ડિસેમ્બર મહિનાની શરૂઆત પછી મુંબઈગરાઓને ગરમીથી રાહત મળે અને વાતાવરણ ઠંડું થાય એવી શક્યતા છે.
ચોમાસાની વિદાય પછી જ મુંબઈમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) કથળી રહ્યો છે અને હજી પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે. મુંબઈનો AQI ગઈ કાલે ૧૫૪ નોંધવામાં આવ્યો હતો જે પુઅર એટલે કે ખરાબ કૅટેગરીમાં આવે છે. સ્મૉગ જેવું વાતાવરણ ઊભું નથી થયું છતાં મુંબઈની હવાની ગુણવત્તા સતત પુઅર કૅટેગરીમાં નોંધાઈ રહી છે.