Mumbai Bribery Case: RTO એજન્ટને વાહનનું પરમિટ ટ્રાન્સફર કરવા આપો તો આ કેસ પરથી શીખવા જેવું- જાણો શું થયું

02 September, 2026 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Bribery Case: વિલાસ સનાગરે કસ્ટમર વાહનધારક પાસેથી રૂ. ૪,૫૦૦ એકસ્ટ્રા માગ્યા હતા. પણ લાંચ લેતાં તેઓ ACB અધિકારીના હાથે સપડાઈ જતાં મુશ્કેલીમાં મુકાયા છે.

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક એજન્ટને લાંચ લેતાં રંગે હાથ પકડવામાં આવ્યો હોવાના અહેવાલ (Mumbai Bribery Case) મળી રહ્યા છે. ACB દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહી બાદ પ્રાઇવેટ RTO એજન્ટની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઓટો-રિક્ષા પરમિટ ટ્રાન્સફર કરાવવા માટે ગયેલા શખ્સ પાસેથી ૬૨ વર્ષના અને પ્રાઇવેટ RTO એજન્ટ તરીકે કામ કરતા વિલાસ સનાગરે સરકારી ફી ઉપરાંત એકસ્ટ્રા રકમ માંગી હતી. વિલાસ સનાગરે કસ્ટમર વાહનધારક પાસેથી રૂ. ૪,૫૦૦ એકસ્ટ્રા માગ્યા હતા. પણ લાંચ લેતાં તેઓ ACB અધિકારીના હાથે સપડાઈ જતાં મુશ્કેલીમાં મુકાયા છે.

શું છે આ મામલો?

ACBના નવી મુંબઈ યુનિટના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ ધર્મરાજ સોનકેએ (Mumbai Bribery Case) જણાવ્યું કે ૧૧મી ઑગસ્ટના રોજ એક ડ્રાઇવિંગ સ્કૂલના માલિકે કમ્પ્લેઇન્ટ ફાઇલ કરી હતી. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે પરમિટ ટ્રાન્સફરની પ્રોસેસ માટે RTO એજન્ટ વિલાસ સનાગરે સરકારી ફી ૨૫,૭૦૦ રૂપિયા હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેણે પોતાના માટે અને સંબંધિત સરકારી કર્મચારીઓ માટે લાંચ પેટે એકસ્ટ્રા રૂ. ૪૫૦૦ની પણ માંગ કરી હતી. આ ફરિયાદ બાદ ACBની ટીમ આ ગુનેગારને પકડવા માટે બરાબરની એક્શનમાં આવી હતી. રિપોર્ટ્સ પ્રમાણે ACBની ટીમની પ્રાથમિક તપાસમાં એ સાબિત તો થઈ જ ગયું હતું કે વિલાસ સનાગરે લાંચ લીધી છે. હવે આ વિલાસને પકડવા માટે ACB ટીમે છટકું ગોઠવવાનું નક્કી કર્યું. પનવેલસ્થિત ખારઘર RTO કાર્યાલયની બહાર છટકું ગોઠવાયું. અને આ વખતે આરોપી એજન્ટે ફરિયાદી પાસેથી જેવા રૂ. ૪૫૦૦ની લાંચ સ્વીકારી કે તરત જ આસપાસ સંતાયેલા ACB અધિકારીઓએ તેને ત્યાંને ત્યાં જ ઉઘાડો પાડ્યો હતો.

લાંચ લેનારો હવાલાતમાં

પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર આરોપી (Mumbai Bribery Case) વિલાસ સનાગર સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા (Prevention of Corruption Act) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ તો તેને હવાલાતમાં લઈ લેવામાં આવ્યો હતો. આ આખા પ્રકરણમાં RTO કાર્યાલયના અન્ય કોઈ સરકારી કર્મચારી કે અધિકારીની પણ સંડોવણી છે કે નહીં, તે અંગેની તપાસ માટે પણ ACBએ કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે. 

એન્ટી-કરપ્શન બ્યુરોની અપીલ

આ સાથે જ એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સામાન્ય નાગરિકોને પણ વિનંતી કરવામાં આવી છે કે જો આ રીતે પ્રાઇવેટ કર્મચારીઓ દ્વારા આ પ્રકારે ભ્રષ્ટાચાર કે લાંચ માગવામાં આવે અથવા તો આ પ્રકારની કોઈપણ માહિતી જાણ થાય તો વિભાગને ઇન્ફોર્મ (Mumbai Bribery Case) કરવા જેથી આવા ગુનેગારોને પકડી શકાય અને કાર્યવાહી કરી શકાય.

mumbai news mumbai navi mumbai kharghar panvel regional transport office Crime News mumbai crime news mumbai police anti corruption bureau