✕

૩ નવા બ્રિજ તૈયાર, પણ મુખ્ય પ્રધાનની તારીખ ન મળી એટલે લોકાર્પણ અટક્યું

15 October, 2026 08:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફ્લાયઓવરથી પાંચ મોટાં ટ્રાફિક-જંક્શનો બાયપાસ થશે અને પીક અવર્સ દરમ્યાન મુસાફરીનો સમય ૪૫ મિનિટથી ઘટીને આશરે ૨૦ મિનિટ થઈ જશે.

સાયન બ્રિજ (ફાઇલ તસવીર)

મુંબઈગરા એકસાથે ૩ નવા બ્રિજ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. જોકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) આ પુલોના લોકાર્પણ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉપલબ્ધતા અને સમયની રાહ જોઈ રહ્યું હોવાનું BMCના અધિકારીઓએ જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં દુકાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં કોઈ સમારોહ વગર જ આ પુલોનું ઉદ્ઘાટન થાય એવી લોકોની માગણી હતી, પણ BMCએ મુખ્ય પ્રધાનના હસ્તે જ લોકાર્પણ કરાવવાનો નિર્ણય લીધો છે. ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (GMLR) ફ્લાયઓવર અને વિદ્યાવિહાર બ્રિજ સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યા છે, જ્યારે સાયન રેલવે ઓવર બ્રિજ (ROB) પર ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. સાયન બ્રિજ ખુલ્લો મૂકવામાં વિલંબ થઈ રહ્યો હોવાના અહેવાલો વિશે સ્પષ્ટતા કરતાં BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘BMC દ્વારા આ ત્રણેય પુલના ઉદ્ઘાટન માટે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નહોતી. અમને અપેક્ષા હતી કે મુખ્ય પ્રધાન ૧૪ ઑક્ટોબરે એનું લોકાર્પણ કરશે, પરંતુ તેઓ ઉપલબ્ધ ન હોવાથી હવે નવી તારીખ વિશે વિચારણા ચાલી રહી છે.’

JVPD ફ્લાયઓવર ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ

આ ઉપરાંત BMCએ અંધેરી-વેસ્ટમાં સી. ડી. બરફીવાલા ફ્લાયઓવરના છેડાને જુહુ-વર્સોવા લિન્ક રોડ સાથે જોડતા ૧.૭૫ કિલોમીટર લાંબા જુહુ-વિલે પાર્લે ડેવલપમેન્ટ સ્કીમ (JVPD) ફ્લાયઓવરને ૨૦૨૭ની ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) અભિજિત બાંગરે બુધવારે કામગીરીની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને કામ ઝડપી બનાવીને માર્ચ ૨૦૨૮ની ડેડલાઇન કરતાં વહેલું પૂરું કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ફ્લાયઓવરથી પાંચ મોટાં ટ્રાફિક-જંક્શનો બાયપાસ થશે અને પીક અવર્સ દરમ્યાન મુસાફરીનો સમય ૪૫ મિનિટથી ઘટીને આશરે ૨૦ મિનિટ થઈ જશે.

૩ બ્રિજના કામ પર એક નજર

સાયન રેલવે ઓવરબ્રિજ (સાયન સ્ટેશન નજીક)

ખર્ચ : ૬૫.૧૩ કરોડ રૂપિયા

ડેડલાઇન : ફેબ્રુઆરી ૨૦૨૭

વર્તમાન સ્થિતિ : ફિનિશિંગ વર્ક બાકી.

GMLR ફ્લાયઓવર અને એલિવેટેડ રોડ્સ (ગોરેગામ-ઈસ્ટ):

ખર્ચ : ૮૬૨.૭૧ કરોડ રૂપિયા

ડેડલાઇન : ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬

વર્તમાન સ્થિતિ : સંપૂર્ણ તૈયાર

વિદ્યાવિહાર પૂર્વ-પશ્ચિમને જોડતો બ્રિજ:

ખર્ચ : ૧૬૦.૩૪ કરોડ રૂપિયા

ડેડલાઇન : ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬

વર્તમાન સ્થિતિ : સંપૂર્ણ તૈયાર

sion mumbai news central railway mumbai traffic goregaon andheri brihanmumbai municipal corporation