15 July, 2025 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં આજે સવારે બેસ્ટ બસમાં આગ લાગવાની ઘટના (Mumbai Bus Fire) બની હતી. સાઉથ બોમ્બેની આ ઘટના છે. સિદ્ધાર્થ કૉલેજ સિગ્નલ પાસે બેસ્ટની ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસમાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિના થયાના અહેવાલ નથી.
રિપોર્ટ અનુસાર આ બસનો રજિસ્ટ્રેશન નંબર MH-43-CE-1709 છે અને આ બસ રૂટ A138 પર સર્વિસ આપતી હતી. આ બસ કોલાબા ડેપોની હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના (Mumbai Bus Fire) સવારે 9:15 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે બસ ભાટિયા બાગથી બેકબે ડેપો તરફ જઇ રહી હતી. બસ સિદ્ધાર્થ કૉલેજના સિગ્નલ નજીક પહોંચી હતી ત્યારે બેસ્ટ બસના આગળના ડાબા ટાયરની પાસે આવેલા હાઇ-વોલ્ટેજ બેટરી કમ્પાર્ટમેન્ટમાં તણખા જોવા મળ્યા હતા. ત્યારબાદ તાબડતોબ બસના કંડક્ટરે ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસને આ બાબતે જાણ કરી હતી.
આગ (Mumbai Bus Fire)ની જાણ થતાં જ ફાયર બ્રિગેડના ઇમરજન્સી રિસ્પોન્ડર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ટ્રકને તાત્કાલિક ઘટના સ્થળે લાવવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં બસમાં બેઠેલા કોઈ પેસેન્જર્સ કે સ્ટાફને ઇજા થઈ નથી. ડિવિઝનલ ડ્યુટી મેનેજર (ડીડીએમ) સિનિયર ટ્રાફિક ઓફિસર્સ (એસટીઓ) અને એન્જિનિયરિંગ સ્ટાફ સહિત બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને પરિસ્થિતિ પર ત્વરિત ઍક્શન લેવામાં આવી હતી. જોકે, બેસ્ટ બસમાં આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલમાં તેની તપાસ ચાલી રહી છે.
Mumbai Bus Fire: મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા આ ઘટનાને પગલે એડવાઇઝરી જારી કરી હતી. મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર એક્સ હેન્ડલ પર માહિતી શૅર કરવામાં આવી છે કે આઝાદ મેદાન નજીક સિદ્ધાર્થ કૉલેજની સામે ડી. એન. રોડ પર સાઉથ તરફ જતા ટ્રાફિકની સ્થિતિ હાલ ધીમી છે.
આ પહેલાં મુંબઈના ચર્ચગેટ સ્ટેશન પાસે બેસ્ટ બસમાં આગ લાગી હતી
આ પહેલાં એપ્રિલમાં ચર્ચગેટ સ્ટેશન નજીક મહર્ષિ કર્વે માર્ગ પર બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) બસમાં આગ લાગી હતી. તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને આ ઘટનામાં કોઈ પેસેન્જર કે સ્ટાફને ઇજાઓ થઈ નહોતી. મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી)ના જણાવ્યા અનુસાર તેમને રાત્રે આ ઘટના વિશે માહિતી મળી હતી. તેઓએ તરત જ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યા હતા. થોડીક જ વારમાં આગને બુઝાવી દેવામાં આવી હતી. જોકે, ચર્ચગેટ સ્ટેશનના પ્લેટફોર્મ 4 ને સાવચેતીના પગલાના ભાગરૂપે રાત્રે 9.50થી 10.31ની વચ્ચે બંધ કરવામાં આવ્યું હતું અને માત્ર ત્રણ પ્લેટફોર્મ ચાલુ રખાયા હતા.