CNGની અછતથી ઍરપોર્ટ પર પણ પ્રવાસીઓ થયા પરેશાન

18 November, 2025 11:06 AM IST  |  Mumbai | Madhulika Ram Kavattur

સોમવારે સવારે ૪૦ પૅસેન્જરોની લાઇન લાગી ગઈ હતી. તેમને ખબર નહોતી કે CNGની સપ્લાય અટકી ગઈ છે

CNG શૉર્ટેજને કારણે ટર્મિનલ-1 પર તો રિક્ષા-ટૅક્સીની લાઇનો એકદમ ખાલીખમ હતી, ટર્મિનલ–2 પર મોટા ભાગના રિક્ષાડ્રાઇવર પિક-અપ નહોતા કરી રહ્યા.

ઍરપોર્ટ પર ખાસ કરીને સિંગલ રેગ્યુલર પૅસેન્જર તેમની ટ્રૉલી-બૅગ સાથે બહાર આવીને સ્ટૅન્ડ પરથી ઑટોરિક્ષા કરી લેતા હોય છે. ઍરપોર્ટ પર રિક્ષા માટે બે લાઇન છે, એકમાં જ્યાં પૅસેન્જર ઍરપોર્ટ પર ઊતરે છે, જ્યારે બીજી લાઇન ઍરપોર્ટ પરથી પૅસેન્જરને પિક કરવાની હોય છે. ગઈ કાલ સુધી જે પણ રિક્ષાડ્રાઇવરો પાસે CNG હતું તેઓ તેમના મોટા ભાગના પૅસેન્જરને ઍરપોર્ટ લઈ આવતા હતા, પણ એ પછી તરત જ એ​ક્ઝિટ લઈને ઍરપોર્ટ-પરિસરની બહાર નીકળી જતા હતા જેથી ઍરપોર્ટ પર ઊતરેલા પૅસેન્જરોને રિક્ષા માટે બહુ લાંબી રાહ જોવી પડતી હતી. ઘણા પૅસેન્જરે તો ૪૫ મિનિટ સુધી રાહ જોવી પડી હતી.

સોમવારે સવારે ૪૦ પૅસેન્જરોની લાઇન લાગી ગઈ હતી. તેમને ખબર નહોતી કે CNGની સપ્લાય અટકી ગઈ છે. જ્યારે જાણ કરવામાં આવી ત્યારે તેઓ ખૂબ જ ભડક્યા હતા. એક પૅસેન્જર અમિષ શાહે કહ્યું હતું કે ‘મારે મીરા-ભાઈંદર જવું હતું અને રિક્ષાવાળાઓ એ માટે ૧૪૦૦ રૂપિયા માગી રહ્યા હતા એથી છેલ્લા અડધા કલાકથી લાઇનમાં ઊભો છું.’

રિક્ષા અને ટૅક્સી યુનિયન દ્વારા કૉમ્પેન્સેશનની માગણી

મુંબઈમાં લગભગ ૩૦,૦૦૦ કાળી-પીળી ટૅક્સી છે અને ૨.૮ લાખ રિક્ષા છે. જ્યારે કે મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં ૪.૭ લાખ કરતાં વધુ રિક્ષા છે જે CNG પર ચાલે છે. ગઈ કાલે મોટા ભાગની રિક્ષા CNG ન મળતાં બંધ રહી હતી. એથી તેમના યુનિયન દ્વારા વળતરની માગણી કરવામાં આવી છે.

રિક્ષા અને ટૅક્સીચાલકોની હાલત CNG ન મળવાને કારણે કફોડી થઈ ગઈ છે એમ જણાવતાં મુંબઈ ઑટો રિક્ષા ઍન્ડ ટૅક્સીમેન્સ યુનિયનના પ્રેસિડન્ટ શશાંક રાવે કહ્યું હતું કે ‘ગૅસ સપ્લાય રવિવારથી બંધ છે, ગઈ કાલે પણ બંધ હતી, આજે પણ બપોર પછી ચાલુ થવાની છે. એના કારણે ગરીબ રિક્ષાચાલકો અને ટૅક્સીચાલકોએ ભારે નુકસાન ઉપાડવું પડ્યું છે. તેમણે બે દિવસની કમાણી ખોવી પડી છે. મહાનગર ગૅસ લિમિટેડે આ માટે વળતર આપવું જોઈએ. મેં આ બાબતે રાજ્ય સરકાર અને રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકને પણ લખ્યું છે.’ 

- મધુલિકા રામ કવત્તુર

mumbai news mumbai mumbai airport petroleum exclusive gujarati mid day mumbai transport