✕

કૉસ્ટલ રોડ પર મધ્યરાત્રિએ બેફામ કારે મોટો એક્સિડન્ટ સર્જ્યો: પાંચથી છ વાહન ટકરાયાં

13 November, 2026 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Coastal Road Accident: નરીમાન પોઈન્ટથી વરલી તરફના રોડ પર સ્પીડમાં આવી રહેલી કારે રસ્તે ઊભેલા વાહનોને અડફેટે લીધા હતા. આ એક્સિડન્ટમાં પાંચથી છ વાહનો એકમેક સાથે ટકરાયાં હોવાની માહિતી મળી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

Mumbai Coastal Road Accident: મુંબઈ કૉસ્ટલ રોડ પર મધ્યરાત્રિએ એક ભીષણ અકસ્માત થયો હતો. નરીમાન પોઈન્ટથી વરલી તરફના રોડ પર સ્પીડમાં આવી રહેલી કારે રસ્તે ઊભેલાં વાહનોને અડફેટે લીધાં હતાં. આ એક્સિડન્ટમાં પાંચથી છ વાહનો એકમેક સાથે ટકરાયાં હોવાની માહિતી મળી રહી છે. આ એક્સિડન્ટ એટલો ભીષણ હતો કે વાહનો સાથે અથડાતાં જ કારના બોનેટમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દોડધામ મચી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. પરંતુ અમુક રિપોર્ટ્સ સૂચવી રહ્યા છે કે કેટલાક લોકો આ એક્સિડન્ટમાં ઇન્જર્ડ થયા છે.

રિપોર્ટ્સ સૂચવી રહ્યા છે કે આ ભયાવહ ઘટના (Mumbai Coastal Road Accident) મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. સૌ પ્રથમ તો નરીમાન પોઈન્ટથી વરલી તરફની લેનમાં બે વાહનો ટકરાયાં હતાં. આ એક્સિડન્ટ બાદ આ લેનમાં આગળ વધી રહેલા અન્ય વાહનચાલકોએ પોતાના વાહનો રોક્યાં હતા. જોકે તે જ સમયે પાછળથી સ્પીડમાં આવી રહેલ મહિન્દ્રા એસયુવી કારનો ચાલક વાહન પર કાબૂ મેળવી શક્યો નહોતો અને લેનમાં ઊભેલાં અન્ય વાહનોને જોરદાર ટક્કર મારી હતી.

આમ, આ ભીષણ માર્ગ અકસ્માતમાં એક પછી એક એમ પાંચથી છ ગાડીઓ એકમેક સાથે ટકરાઇ હતી. વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ટક્કર થતાં જ મહિન્દ્રા એસયુવીનું એન્જિન ભડકે બળવા લાગ્યું હતું. જોતજોતામાં આ આગે વિકરાળ રૂપ લઈ લીધું હતું અને કારને લપેટમાં લઈ લીધી હતી.

આ સમગ્ર દુર્ઘટના (Mumbai Coastal Road Accident)ને પગલે કૉસ્ટલ રોડ પર જઇ રહેલા અન્ય વાહનચાલકો પળભર માટે ગભરાઈ ગયા હતા. આ ભીષણ અકસ્માત અને કાર બર્નિંગની માહિતી મળતાંની સાથે જ મુંબઈ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા તાકીદે બર્નિંગ કાર પર પાણીનો મારો ચલાવીને આગ ઓલવી નાખી હતી જેને કારણે વધુ નુકસાન થતું અટક્યું હતું.  મુંબઈ પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને તમામ વેહિકલ્સમાં જેટલા પણ લોકો સવાર હતા તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદ્દનસબીબે આ રોડ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થયું નથી, પરંતુ કેટલાક મુસાફરોને નાની-મોટી ઇન્જરી થઈ હોવાનું જાણવા મળ્યું છે, તે તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

જોકે આ રોડ અકસ્માત (Mumbai Coastal Road Accident) થયે કૉસ્ટલ રોડ પર વરલી તરફ જતી લેનમાં ટ્રાફિકવ્યવહાર ખોરવાયો હતો. આશરે દોઢ કલાક સુધી આ લેન બંધ રહી હતી. પોલીસે ક્રેનની મદદથી નુકસાનગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર કર્યાં બાદ ફરી વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બેફામ કાર ચલાવી અકસ્માત સર્જનાર મહિન્દ્રા એસયુવીનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

 

mumbai news mumbai Mumbai Coastal Road road accident south mumbai Crime News mumbai crime news mumbai police fire incident