Mumbai Coastal Road: હવે બાન્દ્રા-વરલી સી લિન્કથી મરીન ડ્રાઈવ પહોંચાશે 15 મિનિટમાં

17 April, 2024 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Coastal Road: બાંદ્રા-વરલી સી લિંકની લંબાઈ 5.6 કિમી છે. આમ, બંનેને જોડીને લગભગ 16 કિમીની મુસાફરી સરળ થઈ જવાની છે.

બાન્દ્રા-વરલી સી લિન્કની ફાઇલ તસવીર

બાંદ્રા-વરલી સી લિંકથી મરીન ડ્રાઈવ સુધીની સફર હવે માત્ર 15 જ મિનિટમાં પૂરી કરી શકાશે. આ સફર કોસ્ટલ રોડ (Mumbai Coastal Road) મારફતે થઈ શકશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર 31 મે સુધીમાં કોસ્ટલ રોડ ગર્ડરને બાંદ્રા-વરલી સી લિંક સાથે જોડી દેવામાં આવશે.

જૂનના પહેલા સપ્તાહમાં સી લિન્ક દ્વારા વાહનો કોસ્ટલ રોડથી મરીન ડ્રાઈવ જઈ શકશે

તમને જણાવી દઈએ કે કોસ્ટલ રોડ અને બાંદ્રા-વરલી સી લિંકને જોડવા માટે 2000 મેટ્રિક ટનની બો સ્ટ્રિંગ સ્પાન તૈયાર કરવામાં આવી છે. તેને મઝગાવ ડોક યાર્ડ (ન્હાવા)થી લોડ કરવામાં આવશે અને 21 એપ્રિલ સુધીમાં કોસ્ટલ રોડ (Mumbai Coastal Road) સાઇટ પર લઈ જવામાં આવનાર છે. ત્યારબાદ તેને સી લિંક સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એવા અહેવાલ છે કે 31 મે સુધીમાં કોસ્ટલ રોડ અને સી લિન્ક ગર્ડર્સ સાથે જોડાઈ જવાનો છે. ત્યાર બાદ જૂનના પ્રથમ સપ્તાહમાં વાહનો સી લિંક દ્વારા કોસ્ટલ રોડથી સીધા મરીન ડ્રાઈવ સુધી સફર કરી શકશે. 

હવે માત્ર ૧૫ જ મિનિટમાં સફર થશે પૂરી

વરલીથી મરીન ડ્રાઈવ સુધીના 10.58 કિમી લાંબા કોસ્ટલ રોડનો એક ભાગ 12 માર્ચ 2024ના રોજ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ વાહનો ટોલ ફ્રી કોસ્ટલ રોડ પર મુસાફરી કરી ચૂક્યા છે. 

બાંદ્રા-વરલી સી લિંકની લંબાઈ 5.6 કિમી છે. આમ, બંનેને જોડીને લગભગ 16 કિમીની મુસાફરી સરળ થઈ જવાની છે. તમને જણાવી દઈએ કે બાંદ્રા-વરલી સી લિંક એકવાર કોસ્ટલ રોડ (Mumbai Coastal Road) સાથે જોડાઈ જશે ત્યારબાદ આ અંતર માત્ર 15 મિનિટમાં કાપી શકાશે.

કોસ્ટલ રોડ પર ક્યારે હોય છે વધુ ટ્રાફિક?

એક બીએમસી અધિકારીનાં જણાવ્યા અનુસાર કોસ્ટલ રોડ શનિવાર અને રવિવારે બંધ રહેતો હોવા છતાં, તે 13 એપ્રિલે ઈદ અને આઈપીએલને કારણે ખુલ્લો રાખવામાં આવ્યો હતો, ટ્રાફિક પોલીસ દ્વારા પરિસ્થિતિનું સંચાલન કરાયું હતું. અધિકારીએ એ પણ નોંધ્યું હતું કે ટ્રાફિક સામાન્ય રીતે સવારે 10થી બપોર તેમ જ સાંજે 6થી 7 વાગ્યાની વચ્ચે રહેતું હોય છે.

કોસ્ટલ રોડનું કેટલા ટકા કામ હજી પેન્ડિંગ છે

કોસ્ટલ રોડનું લગભગ 87 ટકા કામ પૂરું થઈ ગયું છે. હજી તો સંપૂર્ણ કોસ્ટલ રોડ (Mumbai Coastal Road) ડિસેમ્બર 2024 સુધીમાં તૈયાર થશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એકવાર તે બની જાય પછી જાન્યુઆરી 2025થી લોકો મરીન ડ્રાઈવથી બાંદ્રા સુધી સી-લિંક દ્વારા મુસાફરી કરી શકશે. બીએમસી દ્વારા કહેવામાં આવ્યું છે કે 1,30,000 વાહનો દરરોજ કોસ્ટલ રોડનો ઉપયોગ કરશે જ્યારે તે સંપૂર્ણ ક્ષમતા સાથે જ ખોલવામાં આવશે.

mumbai news mumbai Mumbai Coastal Road worli bandra marine drive brihanmumbai municipal corporation mumbai traffic