Mumbai Concert Tragedy: મેઇન આરોપી આનંદ પટેલને સવારના પાંચ વાગ્યે ઘરનો દરવાજો તોડીને પકડ્યો પોલીસે

15 April, 2026 07:17 AM IST  |  Mumbai | Mehul Jethva

ગોરગામના નેસ્કો સેન્ટરમાં યોજાયેલી મ્યુઝિક કૉન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝથી MBAના બે સ્ટુડન્ટ‍્સના મોતને પગલે ખળભળાટ: જીવ ગુમાવનારા બે ​વિદ્યાર્થીઓમાં ૨૮ વર્ષનો યુવક અને ૨૪ વર્ષની યુવતી, ૨૫ વર્ષની એક યુવતીની હાલત ગંભીર : ૬ આરોપીઓની ધરપકડ

કલ્યાણમાં રહેતા મુખ્ય આરોપી આનંદ પટેલની ખડકપાડા પોલીસે ધરપકડ કરી હતી અને બીજી તસવીરમાં આરોપી આનંદના પિતા લખન પટેલ

ગોરેગામના નેસ્કો સેન્ટરમાં ૧૧ એપ્રિલે યોજાયેલી એક મ્યુઝિક કૉન્સર્ટ દરમ્યાન થયેલી દુર્ઘટનાએ સમગ્ર મુંબઈને હચમચાવી નાખ્યું છે. કાર્યક્રમ દરમ્યાન ડ્રગ્સના ઓવરડોઝને કારણે એક યુવતી સહિત બે વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં છે, જ્યારે વધુ એક યુવતીની તબિયત લથડતાં તેની સારવાર ચાલી રહી છે. આ મામલે વનરાઈ પોલીસે રવિવાર સાંજે ફરિયાદ નોંધીને ગઈ કાલે સાંજ સુધીમાં ૬ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સની જૈન, બાલકૃષ્ણ કુરૂપ, રૌનક ખંડેલવાલ, આનંદ પટેલ, પ્રતીક પાંડે અને આકાશ સમળનો સમાવેશ છે. મહત્ત્વની વાત એ છે કે આમાં કાર્યક્રમના આયોજકનો પણ સમાવેશ હોવાનું જણાયું છે. તમામ આરોપીઓને ૧૬ એપ્રિલ સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલ્યા છે. આ ઘટનાએ ફરી એક વાર મુંબઈમાં યોજાતા મોટા કાર્યક્રમોમાં સુરક્ષા અને દેખરેખના અભાવને લઈને ચર્ચા જગાવી છે, જ્યારે ખાસ કરીને યુવાનોમાં વધતા જતા ડ્રગ્સના પ્રભાવને ધ્યાનમાં રાખીને કડક પગલાં લેવાની માગણી ગઈ કાલે રાજકીય નેતાઓએ ઉઠાવી હતી. પોલીસ દ્વારા આ કેસની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને આવનારા સમયમાં વધુ આરોપીઓની ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચોંકાવનારો ખુલાસો
વનરાઈના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નેસ્કો સેન્ટરના હૉલ-નંબર પાંચમાં શનિવાર રાતે મ્યુઝિક કૉન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને એને માટે અંદાજે ૨૦૦૦ રૂપિયાની એન્ટ્રી-ફી રાખવામાં આવી હતી. એ કૉન્સર્ટમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. ખાસ કરીને ચર્ચગેટની એક જાણીતી MBA ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓના ૧૬ સભ્યોનું એક ગ્રુપ પણ હાજર હતું જેમાં નાની ઉંમરના ટીનેજરોનો પણ સમાવેશ હતો. એમાંથી દસથી ૧૨ વિદ્યાર્થીઓએ પાર્ટી દરમ્યાન ડ્રગ્સની ટૅબ્લેટ્સનું સેવન કર્યું હતું. નશાની હાલતમાં કેટલાક વિદ્યાર્થીઓએ વધુ માત્રામાં ડોઝ લઈ લીધા હતા. એમાં બે યુવતી અને એક યુવકને ઓવરડોઝને કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી અને પરિસ્થિતિ બગડતાં તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમ્યાન રવિવારે મોડી રાતે એક યુવતી અને એક યુવકનું મૃત્યુ થયું હતું, જ્યારે શીતલ નામની વિદ્યાર્થિનીની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં મૃત્યુ પામનાર બન્ને MBAના સ્ટુડન્ટ્સ હતા.’

આરોપીઓની ધરપકડ
વનરાઈના એક સિનિયર પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘નેસ્કો સેન્ટરમાં બનેલી ઘટનામાં શનિવારે મોડી રાતે અમુક વિદ્યાર્થીઓને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એ દરમ્યાન રવિવારે વહેલી સવારે ચારેક વાગ્યે બે વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં હોવાની માહિતી અમને મળી હતી. આ કેસમાં બન્ને વિદ્યાર્થીઓનાં મૃત્યુ જોગેશ્વરીની બાળાસાહેબ ઠાકરે ટ્રૉમા કૅર હૉસ્પિટલમાં થયાં હતાં. બન્ને વિદ્યાર્થીઓનાં મૃત્યુ ડ્રગ્સના ઓવરડોઝને કારણે થયાં હોવાનું જણાતાં રવિવારે સાંજે ફરિયાદ નોંધી હતી. આ કેસની તપાસના આધારે મુખ્ય ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કાર્યક્રમનો મુખ્ય આયોજક વિહાન ઉર્ફે આકાશ સમળ, નેસ્કો સેન્ટરની મૅનેજર સની જૈન તેમ જ ઘટના સમયે નેસ્કો સેન્ટરનો મુખ્ય સુરક્ષા-અધિકારી બાલકૃષ્ણ કુરૂપ હતાં. એ સિવાય રૌનક ખંડેલવાલ અને પ્રતીક પાંડેને ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપી આનંદ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ઘટનાસ્થળે હાજર રહેલા અને કેસ સાથે સંબંધિત કુલ ૧૨ જણનાં વિગતવાર નિવેદન નોંધ્યાં છે જેના આધારે ડ્રગ્સની ખરીદી અને સપ્લાય-ચેઇન વિશે માહિતી મળી રહી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ મુંબઈની બહારથી અંદાજે ડ્રગ્સની સાતેક ગોળીઓ લઈ આવ્યા હતા. આ કેસમાં કઈ ગૅન્ગ કાર્યરત છે એ શોધવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં તમામને ૧૬ એપ્રિલ સુધી પોલીસ-કસ્ટડી મળી છે.

કુખ્યાત  બાપ-દીકરો
ગોરેગામના નેસ્કો સેન્ટરમાં યોજાયેલી હાઈ-પ્રોફાઇલ પાર્ટીમાં ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપી આનંદ પટેલ માત્ર ડ્રગ્સ-રૅકેટ સાથે જ નથી સંકળાયેલો, તેના પપ્પા લખન પટેલ પણ કલ્યાણમાં જાણીતા રૅશનિંગ-માફિયા તરીકે ઓળખાય છે. લખન પટેલ વિરુદ્ધ રૅશનિંગનાં અનાજનાં કાળાબજાર અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ માટે  મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ‍્ડ ક્રાઇમ અૅક્ટ (MCOCA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જેને કારણે બાપ-દીકરાના આ ગુનાહિત જોડાણે કલ્યાણ અને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચાવી છે. 

લખન પટેલે ગરીબોને મળતાં સરકારી રૅશન ગોડાઉનમાંથી ચોરીને ખુલ્લા બજારમાં મોંઘા ભાવે વેચવાની મોટી ચેઇન ઊભી કરી હતી એવો આરોપ છે. આ ગંભીર આરોપને પગલે થાણે પોલીસે તેના પર MCOCA હેઠળ કાર્યવાહી કરી હતી અને સતત ગુનાઓને કારણે મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઑફ ડેન્જરસ અૅક્ટિવિટીઝ (MPDA) અૅક્ટ હેઠળ પણ તેની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો હતો. લખન પટેલ વિરુદ્ધ સરકારી વસ્તુનો ગેરકાયદે સંગ્રહ અને તસ્કરી, સરકારી કામમાં અડચણ ઊભી કરવી તેમ જ છેતરપિંડી જેવા અનેક ગુના નોંધાયા છે. કોળસેવાડી, બજારપેઠ અને ખડકપાડા પોલીસ સ્ટેશનોમાં પણ તેની સામે ગંભીર કેસ નોંધાયેલા છે. 

mumbai news mumbai goregaon Crime News mumbai crime news kalyan mumbai police