16 February, 2026 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતના ભયાનક દ્રશ્યો
થાણેના ઘોડબંદર રોડ પર ગાયમુખ પાસે આવેલી પોલીસચોકીની સામે જ ઘોડબંદરથી થાણે તરફ જતી લેનમાં ગઈ કાલે સાંજે ૪.૩૯ વાગ્યે ગુજરાતનો રજિસ્ટ્રેશન નંબર ધરાવતી ટ્રકના ડ્રાઇવરે સ્ટીઅરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. તેણે ૧૦ કાર અને બે રિક્ષાને અડફેટે લીધી હતી અને ટ્રક છોડીને નાસી ગયો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એક વ્યક્તિને ઈજા થઈ છે, પણ વાહનોને ઘણું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના જવાનો અને ફાયર-બ્રિગડ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. સાંજે ૪.૩૯ વાગ્યે થયેલા અકસ્માત બાદ અડધા જ કલાકમાં ૫.૧૮ વાગ્યે આ અકસ્માતનો ભોગ બનેલાં વાહનોને રસ્તાની બાજુએ ખસેડી લેવાયાં હતાં અને વાહનવ્યવહાર ફરી રાબેતા મુજબ ચાલુ કરાયો હતો.