23 August, 2025 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રોજ ટિકિટ લઉં છું, આજે ભૂલી ગઈ તો શું ગુનો કર્યો એવી દલીલ કરીને વેસ્ટર્ન રેલવેનાં સિનિયર ટિકિટચેકર (TC) ગીતા પંડોરિયાની ગોરેગામ રેલવે-સ્ટેશને મારઝૂડ કરી સ્ટેશન-માસ્ટરની ઑફિસમાં ધાંધલ-ધમાલ મચાવનાર સોની ચૌહાણની બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ગુરુવારે ધરપકડ કરી હતી. આ મારઝૂડ વચ્ચે સોનીએ ગીતાબહેનની ડાબા હાથની આંગળી મચકોડી નાખી હતી.
વેસ્ટર્ન રેલવેનાં સિનિયર TC ગીતા પંડોરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે અંધેરી રેલવે સ્ટેશનથી બોરીવલી ડાઉન લોકલ ટ્રેનના જનરલ ડબ્બામાં પ્રવાસીની ટિકિટ ચેક કરવા માટેની શરૂઆત કરતાં એક મહિલા સતત ટિકિટ શોધી રહી હતી. જોકે તેને ગોરેગામ રેલવે-સ્ટેશન સુધી ટિકિટ ન મળતાં મેં તેને ગોરેગામ સ્ટેશને ઉતારીને ફાઇન ભરવા માટેનો આગ્રહ કર્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે રોજ ટિકિટ લઈને પ્રવાસ કરું છું, આજે નથી લીધી તો શું ગુનો કર્યો એવી દલીલ કરી પહેલાં તે મને ગાળો ભાંડવા માંડી. ત્યાર બાદ તેને TC-રૂમમાં લઈ જવામાં આવતાં તેણે મારઝૂડ કરવાની કોશિશ કરી. તેને રોકવા જતાં તેણે મારા ડાબા હાથની આંગળી જોરથી મચકોડી નાખી હતી. એનાથી મને ઘણો દુખાવો થયો હતો. અંતે સ્ટેશન-માસ્ટરની મદદથી પોલીસને બોલાવવામાં આવતાં મેં સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.’
બોરીવલી GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘TCની ફરિયાદ બાદ અમે મહિલા પ્રવાસીની ધરપકડ કરી છે. આ મામલે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.’