મુંબઈના અગ્રીપાડામાં શરમજનક ઘટના! ૧૩ વર્ષના સગીર સાથે ૪૦ વર્ષીય શખ્સે કર્યું દુષકૃત્ય

20 May, 2026 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime: મુંબઈના અગ્રીપાડામાં પરિવારના જ એક પરિચિત ૪૦ વર્ષીય વ્યક્તિએ ૧૩ વર્ષના સગીર બાળક સાથે અશોભનીય કૃત્ય આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી; આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ (Mumbai)ના અગ્રીપાડા (Agripada) વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં ૪૦ વર્ષીય શખ્સે ૧૩ વર્ષના સગીર બાળક પર અત્યાચાર (Mumbai Crime) કર્યો છે.

અગ્રીપાડામાં બની અમાનવીય ઘટના

અગ્રીપાડામાં ક્લાસિક ટાવરમાં રહેતા પરિવારના જ એક પરિચિત ૪૦ વર્ષીય વ્યક્તિએ ૧૩ વર્ષના સગીર બાળક સાથે અશોભનીય કૃત્ય આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

અશ્લીલ ફિલ્મો બતાવી આચર્યું કૃત્ય

મુંબઈ પોલીસ (Mumbai Police)ના જણાવ્યા અનુસાર, આરોપી આદિલ ઇશાક લતીફ (ઉંમર ૪૦ વર્ષ) પર આરોપ છે કે તેણે સગીર બાળકને ડરાવી-ધમકાવીને અશ્લીલ ફિલ્મો બતાવી હતી અને ત્યારબાદ તેની સાથે છેડતી કરી હતી અને તેના પર અત્યાચાર કર્યો હતો. આ ઘટનાથી ડરી ગયેલા બાળકે હિંમત ભેગી કરીને સમગ્ર આપવીતી પોતાના પરિવારના સભ્યોને જણાવી હતી ત્યારે જ આ ગુનો પ્રકાશમાં આવ્યો હતો.

સગીર બાળક ઘરે એકલો હોય ત્યારે જ આરોપી ઘરે આવતો

પોલીસ ફરિયાદ અને સમાચાર એજન્સી આઈએનએસના અહેવાલ અનુસાર, આરોપી (Mumbai Crime) આદિલ ઇશાક લતીફ બાળકના પરિવારનો પરિચિત હતો અને તે અવારનવાર એવા સમયે બાળક પાસે જતો જ્યારે તેના પરિવારના સભ્યો ઘરે હાજર ન હોય. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને આરોપીએ બાળકને અશ્લીલ ફિલ્મો બતાવી હતી અને તેની સાથે શારીરિક છેડતી તેમજ અત્યાચાર કર્યો હતો. જ્યારે પણ બાળકે આ કૃત્યનો પ્રતિકાર કરવાનો કે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ તેને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપીને ડરાવી દીધો હતો.

આરોપીની ધમકીઓ અને ડરના કારણે આ સગીર બાળક લાંબા સમય સુધી આ બધી પીડા મૂંગા મોઢે સહન કરતો રહ્યો અને તેણે આ અંગે કોઈને કશું જણાવ્યું નહીં. જો કે, આખરે બાળકે હિંમત ભેગી કરી અને તેની સાથે બનેલી આ તમામ આપવીતી પોતાના પરિવારના સભ્યોને જણાવી દીધી હતી.

અગ્રીપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બાળકના પરિવારે આ અંગે તાત્કાલિક જ અગ્રીપાડા પોલીસ સ્ટેશન (Agripada Police Station)નો સંપર્ક કર્યો હતો. પોલીસે પીડિત બાળકના પરિવારની ફરિયાદના આધારે આરોપી આદિલ ઇશાક લતીફ વિરુદ્ધ પોક્સો એક્ટ (Protection of Children from Sexual Offences - POCSO Act) અને ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita - BNS)ની કલમ ૩૫૧ (૨) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની શોધમાં ચક્રો ગતિમાન કરાયા છે

પોલીસે જણાવ્યું છે કે, ગુનો દાખલ થયા બાદથી જ આરોપી ધરપકડના ડરથી ફરાર થઈ ગયો છે. અગ્રીપાડા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

mumbai crime news Crime News mumbai mumbai police Protection of Children from Sexual Offences Act POCSO mumbai news