25 February, 2026 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બાંદરા-વેસ્ટના હિલ રોડ પર રહેતા કપડાંના ૫૭ વર્ષના કચ્છી વેપારી ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ લેવા જતાં તેમની સાથે બે લાખ રૂપિયાની ઑનલાઇન છેતરપિંડી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સોમવારે સામે આવી હતી. બાંદરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વેપારીની તબિયત ખરાબ હોવાથી તેમણે ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ લેવા માટે ગૂગલ પર નંબર શોધ્યો હતો. એ દરમ્યાન સામેથી આવેલા કૉલમાં સામેવાળી વ્યક્તિએ પોતે ડૉક્ટરની ઑફિસમાંથી બોલતો હોવાનો દાવો કરીને વૉટ્સઍપ મારફત લિન્ક મોકલીને એ ઍપ ઇન્સ્ટૉલ કરવા જણાવ્યું હતું. વેપારીએ ઍપ ઇન્સ્ટૉલ કરીને પોતાની વ્યક્તિગત તથા નાણાકીય માહિતી દાખલ કરતાં જ માત્ર ૮ મિનિટમાં તેમના બૅન્ક-ખાતામાંથી બે અલગ-અલગ ટ્રાન્ઝૅક્શનમાં બે લાખ રૂપિયા ઊપડી ગયા હોવાના મેસેજ મળતાં છેતરપિંડી થઈ હોવાની ખબર પડી હતી.
બાંદરામાં રહીને કપડાંનો હોલસેલ વ્યવસાય કરતા ૫૭ વર્ષના વેપારીની તબિયત ખરાબ હોવાથી તેમણે ૧૬ ફેબ્રુઆરીએ બપોરે એક ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ બુક કરવા માટે ગૂગલ પર શોધ કરી હતી.
આશરે ૧૫ મિનિટ બાદ એક વ્યક્તિએ વેપારીને ફોન કરી પોતે ડૉક્ટરની ઑફિસમાંથી બોલતો હોવાનું જણાવીને અપૉઇન્ટમેન્ટ માટે વૉટ્સઍપ પર લિન્ક મોકલવાની વાત કરી હતી.
વૉટ્સઍપ પર મળેલી લિન્કના આધારે ફોન કરનાર વ્યક્તિએ ઍપ્લિકશન મોબાઇલમાં ઇન્સ્ટૉલ કરાવીને વેપારીને વ્યક્તિગત અને નાણાકીય વિગતો ભરવા માટે માત્ર એક રૂપિયાનું પેમેન્ટ કરવા કહ્યું હતું.
એ ભર્યા બાદ પણ અપૉઇન્ટમેન્ટ માટેની પેમેન્ટ પ્રક્રિયા પૂરી ન થતાં વેપારીને શંકા ગઈ હતી એટલે તેમણે પોતાના પુત્રને જાણ કરતાં તેણે આ સાઇબર ઠગાઈ હોઈ શકે એમ કહીને પેમેન્ટ ન કરવાની સલાહ આપી હતી.
દરમ્યાન વેપારીએ પોતાના મોબાઇલમાંથી ઍપ્લિકેશન ડિલીટ કરી દીધી હતી. જોકે માત્ર ૮ મિનિટમાં તેમના બૅન્ક-ખાતામાંથી બે ટ્રાન્ઝૅક્શનમાં બે લાખ રૂપિયા ઊપડી ગયા હતા.
આ મામલે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં વેપારીએ 1930 સાઇબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી.
આરોપીએ વેપારીના ફોનમાં સ્ક્રીન મિરરિંગ ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની તમામ વ્યક્તિગત માહિતી જાણી લીધી હતી અને એના આધારે પૈસા ઉપાડ્યા હોવાનો દાવો પોલીસે કર્યો છે.