સિનિયર સિટિઝનોએ ચેતવા જેવું : ATMમાંથી પૈસા ઉપાડવામાં મદદ કરીને ડેબિટ કાર્ડ પડાવી લેનારો પકડાયો

21 February, 2026 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેલ્પ કરવાના નામે પિન યાદ રાખીને ચાલાકીથી ડેબિટ કાર્ડની અદલાબદલી કરનાર પાસેથી ૭૧ કાર્ડ મળ્યાં

પ્રતીકાત્મક તસવીર

બોરીવલી-ઈસ્ટમાં ઑટોમેટેડ ટેલર મશીન (ATM)માં ડેબિટ કાર્ડની અદલાબદલી કરીને લોકો સાથે ફ્રૉડ થતો હોવાનો કેસ સામે આવ્યો છે. આરોપી પાસેથી ૭૧ ડેબિટ કાર્ડ મળી આવતાં આખી કાર્યપદ્ધતિ ખુલ્લી પડી હતી.

આરોપી સિનિયર સિટિઝનને ATMમાંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાનું કહીને ATMમાં તેની સાથે જતો હતો. સિનિયર ​સિટિઝન પિન નાખે ત્યારે ધ્યાન રાખીને ચાલાકીથી ડેબિટ કાર્ડની અદલાબદલી કરી લેતો હતો.

કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ આપેલી માહિતી મુજબ બોરીવલી-ઈસ્ટમાં ડેબિટ કાર્ડ સ્વૉપિંગ ફ્રૉડ દ્વારા સિનિયર સિટિઝન સાથે છેતરપિંડી કરવાના આરોપમાં ૩૭ વર્ષના આરોપીની કાર્ટર રોડ-નંબર ૯ પરથી ધરપકડ કરવામાં આવી હતી.

૭૫ વર્ષના એક નાગરિકના આ રીતે ૧૦,૦૦૦ રૂપિયા ઊપડી ગયા બાદ તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસતાં જણાયું કે આરોપી સિનિયર સિટિઝનને ફસાવવા માટે દર થોડા દિવસે ATMની મુલાકાત લેતો હતો. આ માહિતીના આધારે ક્રાઇમ ડિટેક્શન ટીમે ATMની બહાર છટકું ગોઠવીને આરોપીને ઝડપ્યો હતો.

ઉત્તર પ્રદેશના યુવાનોના એક જૂથ પાસેથી આરોપીએ આ ટેક્નિક શીખી હતી એવું પોલીસતપાસમાં જણાયું હતું. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે નાગરિકોને કોઈ પણ સંજોગોમાં અજાણ્યા લોકો સાથે ડેબિટ કાર્ડ અથવા પિન શૅર ન કરવા વિનંતી કરી છે.

borivali Crime News mumbai crime news mumbai police uttar pradesh mumbai mumbai news