આગ્રીપાડામાં ચાલતી ડ્રગ્સની ફૅક્ટરી પકડાઈ

27 May, 2026 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે ૫૦.૭૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને હથિયારો જપ્ત કર્યાં

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC)એ આગ્રીપાડા વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરીને એક રહેણાક મકાનમાં ધમધમતી ગેરકાયદે ડ્રગ્સ ફૅક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમ્યાન પોલીસે અંદાજે ૫૦.૭૪ કરોડ રૂપિયાનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ અને લિક્વિડ MDનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે ઘટનાસ્થળેથી એક દેશી પિસ્તોલ અને ૧૯ જીવંત કારતૂસ પણ હસ્તગત કર્યાં છે અને આ ગુનામાં સંડોવાયેલા ૩ આરોપીઓની ધરપકડ કરી છે.

કાંદિવલીના ANC યુનિટના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગેરકાયદે ડ્રગ્સ ફૅક્ટરી વિશે ચોક્કસ ગુપ્ત માહિતી મળતાં સોમવારે આગ્રીપાડા વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું અને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન ઘટનાસ્થળેથી આશરે ૨૯.૦૮ કરોડ રૂપિયાનું ૮ કિલો લિક્વિડ MD અને ડ્રગ્સ બનાવવાનું સાહિત્ય મળી આવ્યું હતું. આ ઉપરાંત ૨૧.૬૫ કરોડ રૂપિયાનું ૬.૧૮૮ કિલો પાઉડર સ્વરૂપનું મેફેડ્રોન ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં વિવિધ કેમિકલ્સ, કાચો માલ, આધુનિક સાધનો તેમ જ અંદાજે ૬૪,૦૦૦ રૂપિયાની દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ કબજે કરીને આખી ફૅક્ટરીને સંપૂર્ણપણે સીલ કરી દીધી છે.’

આ હાઈ-પ્રોફાઇલ કેસમાં કાંદિવલી યુનિટ દ્વારા નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટની વિવિધ કલમો તેમ જ આર્મ્સ ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે કે આ ગેરકાયદે ડ્રગ્સ ફૅક્ટરી કેટલા સમયથી ચાલી રહી હતી અને આ આંતરરાષ્ટ્રીય રૅકેટ પાછળ અન્ય કયાં મોટાં માથાં સામેલ છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ડ્રગ્સ સપ્લાય ચેઇનને લઈને આગામી દિવસોમાં અન્ય ઘણા ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.

mumbai news mumbai kandivli Crime News mumbai crime news Narcotics Control Bureau mumbai police