BMCના નકલી અધિકારી બનીને ઠગોએ ફસાવ્યો, પણ પોલીસે પછી નાખ્યા જેલમાં

29 August, 2026 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિક્ષામાં સિગારેટ કેમ પીએ છે એમ કહીને ગુજરાતી પાસેથી પડાવ્યા ૧૯,૫૦૦ રૂપિયા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના નકલી અધિકારી બનીને ૩ જણે બાંદરા-ઈસ્ટના બ્રિજ નીચે રિક્ષામાં જઈ રહેલા એક ગુજરાતી વેપારીને રિક્ષામાં સિગારેટ પીવા બદલ નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનો ડર બતાવીને તેની પાસેથી ૧૯,૫૦૦ રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી છે. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે પોલીસે આરોપીઓની ભાળ મેળવીને તેમને પવઈથી પકડી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓનું નામ અમિત, સુધીર અને વિનોદ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યા અનુસાર ૩૮ વર્ષનો જુબિન શાહ ઘરે જઈ રહ્યો હતો ત્યારે વાકોલા બ્રિજ નજીક એક મોટરસાઇકલ પર આવેલા બે જણે તેની રિક્ષાને આંતરી હતી અને રિક્ષામાં સિગારેટ પીવા બદલ ફાઇન ભરવો પડશે એમ કહ્યું હતું. જુબિન શાહે તેમની પાસેથી તેઓ BMCના અધિકારી કે કર્મચારી હોવાનું આઇડેન્ટિફિકેશન કાર્ડ માગ્યું હતું, જોકે એટલામાં જ બીજી એક વ્યક્તિ મોકરસાઇકલ પર આવી હતી અને જુબિન શાહને તે બન્નેનો સિનિયર અધિકારી હોવાનું કહીને ૧૯,૫૦૦ રૂપિયાનો દંડ ભરવા કહ્યું હતું.

જુબિન શાહને આરોપીઓએ તેમની સાથે પોલીસ-સ્ટેશન આવવાનું પણ કહ્યું હતું. જોકે જુબિન શાહ પાસેથી પૈસા લીધા બાદ તેઓ રફુચક્કર થઈ ગયા હતા. આ મામલે જુબિન શાહે ૨૮ ઑગસ્ટે ખેરવાડી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એને પગલે તપાસ કરીને પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા.

brihanmumbai municipal corporation Crime News mumbai crime news mumbai police bandra mumbai mumbai news