19 March, 2025 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Mumbai Crime: મુંબઈમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એલટી માર્ગ પોલીસ દ્વારા 54 વર્ષીય મકાન માલિકના ઘરે કથિત રીતે લૂંટ કરવા અને તેના મૃત્યુ માટે જવાબદાર ઠેરવીને 35 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર મૃતક કાલબાદેવી વિસ્તારના હનુમાન લેનમાં રહેતો હતો. 16 ફેબ્રુઆરીના રોજ તેનો મૃતદેહ તેના જ ઘરની અંદરથી શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. જોકે, તેનો દેહ કોહવાઇ ગયેલી હાલતમાં મળ્યો હોવાને કારણે આ કેસે વધારે દિલચસ્પી વધારી હતી.
આ કેસની તપાસ પોલીસે આદરી હતી ત્યારે પ્રાથમિક તપાસમાં (Mumbai Crime) એવું જાણવા મળ્યું હતું કે જેની બૉડી મળી આવી હતી તે વ્યક્તિ એક મકાનનો માલિક હતો અને તેણે અઘણા ફ્લેટ ભાડે આપ્યા હતા. તે ખુદ એકલો રહેતો હતો અને ભાડામાંથી જે આવક થતી હતી તે થકી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
જ્યારે તેની લાશ મળી આવી ત્યારે ઘરની તપાસ અને પડોશીઓ સાથે પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતક અપરિણીત હતો અને એકલો રહેતો હતો. તેના બે મોબાઇલ ફોન ઘરમાંથી ગાયબ હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને આકસ્મિક મૃત્યુ અહેવાલ (એડીઆર) નોંધવામાં આવ્યો હતો.
તપાસમાં પોલીસે (Mumbai Crime) પાડોશીઓ અને ભાડૂતો પાસેથી મૃતકના મોબાઇલ નંબર મેળવીને ગુમ થયેલ મોબાઇલ ફોનમાંથી એક વ્યક્તિને ખોળી કાઢી. કાર્યવાહી કરતાં પોલીસે સોમવારે શંકાસ્પદને પણ દબોચી લીધી. પૂછપરછ દરમિયાન તેણે ગુનાની કબૂલાત પણ કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક સમલૈંગિક હતો અને આરોપી સાથે તેણે જાતીય સંબંધ પણ બાંધ્યા હતા. 14 ફેબ્રુઆરીના રોજ આરોપી સાથે સેક્સ કરતી વખતે તે અચાનક બેભાન થઈ ગયો હતો.
ગભરાઈને આરોપીએ તેને કોઈ તબીબી મદદ આપવા વગર જ ઘટના સ્થળેથી ભાગી જવાનું પસંદ કર્યું હતું. એક અધિકારીએ આ વિષે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "જ્યારે તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી ત્યારે આરોપીએ મૃતકને બેભાન અવસ્થામાં જ છોડી દીધો. તેની બેદરકારીને કારણે પીડિતનું મોત થયું હતું. તેણે ગુનાની કબૂલાત કરી છે અને તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે"
આરોપી આ જ વિસ્તારમાં ઓફિસ બોય તરીકે (Mumbai Crime) કામ કરતો હતો અને બોરીવલી પૂર્વમાં રહેતો હતો, તે ઘટનાના બે મહિના પહેલા મૃતકના સંપર્કમાં આવ્યો હતો. ડિટેક્શન ટીમની મદદથી ગઈકાલે સાંજે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. વધુ તપાસ ચાલી રહી હોવાની વાત પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.
પોલીસ (Mumbai Crime) કહે છે કે જો પીડિતને તે બેભાન થયો પછી સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોત તો બચી શક્યો હોત. અમે હજુ પણ મૃત્યુના કારણના અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ. જો કે, પ્રથમ દૃષ્ટિએ પીડિતને હાર્ટ-ઍટેક આવ્યો અને તે મોતને ભેટ્યો.