Mumbai Crime: દરિયામાં તરતી દેખાઈ બાળકીની ડેડબૉડી ને સાવકા બાપની કરતૂતનો ભાંડો ફૂટ્યો

17 July, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime: ચાલીસ વર્ષના પિતાએ પોતાની પાંચ વર્ષની સાવકી દીકરીનું ગળું દાબીને હત્યા કરી નાખી હતી અને દીકરીની ડેડબૉડીને દરિયામાં નાખી દીધી હતી. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)

મુંબઈમાંથી હ્રદયને હચમચાવી નાખે તેવી ઘટના (Mumbai Crime) સામે આવી છે. અહીં એક ચાલીસ વર્ષના પિતાએ પોતાની પાંચ વર્ષની સાવકી દીકરીનું ગળું દાબીને હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં આ પથ્થરનું કાળજું ધરાવતા પિતાએ દીકરીની ડેડબૉડીને દરિયામાં નાખી દીધી હતી. 

સસુન ડોક પાસે દરિયાના પાણીમાં તરતી દેખાઈ બાળકીની ડેડબૉડી

રિપોર્ટ પ્રમાણે આ હચમચાવી નાખે તેવી ઘટના (Mumbai Crime) મંગળવારે સવારે પ્રકાશમાં આવી હતી. કોલાબા પોલીસ અધિકારીઓને દક્ષિણ મુંબઈમાં સસૂન ડોક પાસે જ્યારે દરિયામાંથી બાળકીની ડેડબૉડી તરતી જોવા મળી હતી. આ બાળકી સેન્ટ્રલ મુંબઈના એન્ટૉપ હિલ વિસ્તારમાંથી ગુમ થઈ ગઈ હતી. ઘરેલુ કામકાજ કરતાં આ દીકરીના સાવકા પિતાએ એન્ટૉપ હિલ પોલીસ સ્ટેશનમાં તેમની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દંપતીની ફરિયાદના આધારે એક અજાણ્યા શખ્સ સામે પોલીસે ગુનો પણ નોંધ્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી. અને તપાસ દરમિયાન પોલીસે એન્ટૉપ હિલ અને નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ ચૅક કર્યાં હતા. જેથી આ બાળકીનું અપહરણ થયું છે કે કેમ તેની વિગતો મળી શકે અને આરોપી સુધી પહોંચી શકાય. પરંતુ સીસીટીવીમાં તો કંઇક અલગ જ દૃશ્યો દેખાયાં. આ બાળકી તેના સાવકા પિતા સાથે જોવા મળી. ત્યારબાદ પોલીસે ગુમ થયેલી દીકરીના સાવકા પિતાની તમામ હિલચાલ પર નજર રાખવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે આ સાવકા પિતાએ જ કંઇક કાવતરું કર્યું છે.

દીકરીની ડેડબૉડી મળી આવ્યા બાદ સાવકા પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો

બાળકીની ડેડબૉડી દરિયાના પાણીમાં તરતી મળી આવ્યા બાદ પોલીસે સાવકા પિતાને કસ્ટડીમાં લીધો હતો (Mumbai Crime) અને તેની પૂછપરછ શરૂ કરી હતી. આ  પૂછપરછ દરમિયાન તેણે તેની સાવકી દીકરીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું અને સાથે જ તેને મોતને ઘાટ ઉતારી નાખ્યા બાદ દરિયામાં ફેંકી દીધાનો ગુનો પણ કબૂલ્યો હતો.

દંપતી વચ્ચે ઝગડા થતાં હોવાથી સાવકા બાપે આ કૃત્ય કર્યું હોવાની શંકા 

અહેવાલો પ્રમાણે આ દંપતી વચ્ચે લગ્નજીવનને સંબંધિત ઝગડાઓ થતાં રહેતા હતા. પોલીસને શંકા છે કે આ જ કારણોસર દંપતીએ દીકરીની હત્યા કરી નાખી છે. આ બાળકીની માતાએ બીજી વખત લગ્ન કર્યાં હતાં. બાળકીનો સાવકો બાપ અને માતા નાઝિયા ઘરગથ્થુ કામ કરીને ગુજરાન ચલાવે છે. આ બંનેએ થોડાક સમય પહેલાં તેમની દીકરીના ગુમ થયાની ફરિયાદ એન્ટૉપ હિલ પોલીસ સ્ટેશનમાં જઈને કરી હતી. એટલે કે ફરિયાદ (Mumbai Crime) કરનાર બાપે જ પોતાની સાવકી દીકરીને મારીને દરિયામાં વહેડાવી દીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે આરોપી ઈમરાન શેખની ધરપકડ કરી છે.

mumbai news mumbai antop hill Crime News mumbai crime news mumbai crime branch crime branch mumbai police