કાંદિવલીના મંદિરમાં દાનપેટી તોડી રૂ. 60 હજારની ચોરી, 19 વર્ષીય યુવકની ધરપકડ

04 June, 2026 08:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime News: કાંદિવલી વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાંથી દાનપેટીમાં રહેલા અંદાજે રૂ. 60 હજારની ચોરીના મામલે કાંદિવલી પોલીસે 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલો અન્ય એક આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

ધરપકડ કરાયેલ આરોપી (સૌજન્ય: મિડ-ડે)

મુંબઈના કાંદિવલી પશ્ચિમ વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાંથી દાનપેટીમાં રહેલા અંદાજે રૂ. 60 હજારની ચોરીના મામલે કાંદિવલી પોલીસે 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલો અન્ય એક આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. હાલ પોલીસ ફરાર આરોપીની શોધખોળ અને ચોરાયેલી રકમની વસૂલાત માટે પ્રયાસ કરી રહી છે. કેસની વધુ તપાસ ચાલુ હોવાનું કાંદિવલી પોલીસે જણાવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોરીની ઘટના 13 મેની રાત્રે 8:30 વાગ્યાથી 14 મેની સવારે 6 વાગ્યા દરમિયાન એમ.જી. રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં બની હતી. આરોપીઓએ મંદિરની દાનપેટી તોડી તેમાં રહેલી આશરે રૂ. 60 હજારની રોકડ રકમ ચોરી કરી હતી.

આ મામલે મંદિરના ટ્રસ્ટી વિપુલભાઈ કાકુભાઈ જેટાણિયા (57)ની ફરિયાદના આધારે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન ડેપ્યુટી પોલીસ કમિશનર સંદીપ ઘુગે, સહાયક પોલીસ કમિશનર નીતા પડવી અને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કરણ સોનકવાડેના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. સબ-ઇન્સ્પેક્ટર નીતિન સાતમ અને ક્રાઇમ ડિટેક્શન યુનિટની ટીમે આરોપીઓના હિલચાલના રૂટને ટ્રેક કરીને મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી.

તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ નાયગાંવથી ટ્રેન મારફતે કાંદિવલી વિસ્તારમાં આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક સૂત્રોની મદદથી પોલીસે એક આરોપીની ઓળખ કરીને તેની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ અરમાન ઉર્ફે અલ્તાફ નઝીર શેખ (19) તરીકે થઈ છે. તે કાંદિવલી પશ્ચિમના એકતા નગરમાં રહે છે અને મૂળ માલાડ પશ્ચિમના માલવાણી વિસ્તારના રાઠોડી ગામનો રહેવાસી છે.

આ કેસમાં સંડોવાયેલા બીજા આરોપીની ઓળખ ધર્મેશ લોહાર તરીકે થઈ છે, જે પણ રાઠોડી ગામનો રહેવાસી છે. હાલ તે ફરાર છે અને પોલીસે તેની શોધખોળ તેજ કરી છે.

પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ધરપકડ કરાયેલો આરોપી અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, તે એમએચબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મંદિર ચોરીના કેસ તેમજ આ વર્ષે અંધેરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂની દુકાનમાં થયેલી ચોરીના કેસમાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત, નેહરુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મંદિર ચોરીના કેસો સહિત 2025માં નોંધાયેલા અન્ય એક મંદિર ચોરીના ગુનામાં પણ તેની સંડોવણી હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે પોક્સો (POCSO) કાયદા સહિત ભારતીય દંડ સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ પણ કેસ નોંધાયેલા છે.

હાલ પોલીસ ફરાર આરોપીની શોધખોળ અને ચોરાયેલી રકમની વસૂલાત માટે પ્રયાસ કરી રહી છે. કેસની વધુ તપાસ ચાલુ હોવાનું કાંદિવલી પોલીસે જણાવ્યું છે.

Crime News mumbai crime news kandivli mumbai police mumbai news news Protection of Children from Sexual Offences Act POCSO