01 October, 2024 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના દાદરમાં એક 80 વર્ષના વ્યક્તિની તેના જ દીકરાની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પિતાએ શરૂઆતમાં પોલીસ સ્ટેશનમાં (Mumbai Crime News) ખોટી ફરિયાદ નોંધાવીને પ્રશાસનને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો અને એવો દાવો કર્યો હતો કે અન્ય કોઈએ તેમના દીકરા પર ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી હતી. જોકે, પોલીસે વિસ્તારના સીસીટીવી કૅમેરાના ફૂટેજની તપાસ કર્યા બાદ આ ખોટા દાવાની સચ્ચાઈ સામે આવી હતી. પોલીસને સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે આરોપી પિતા તેના દીકરા સાથે હત્યાના પહેલા અને પછી જોવા મળ્યા હતા. વધુમાં, પ્રત્યક્ષદર્શીઓ આગળ આવ્યા અને તેઓએ પુષ્ટિ કરી કે તેઓએ આરોપી પિતાને ગુનો કરતા જોયો હતો.
પુરાવાને પગલે દાદર પોલીસે (Mumbai Crime News) હત્યાનો ગુનો નોંધી વૃદ્ધની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી અને મૃતક બન્ને મૂળ ઔરંગાબાદના છે. પુત્ર તેના પરિવારને જાણ કર્યા વિના વારંવાર મુંબઈ જતો હતો, જેના કારણે પિતા તેની શોધમાં શહેરમાં આવ્યા હતા. એવું પણ જાણવા મળ્યું હતું કે પિતા અને પુત્ર બન્નેને દારૂની લત હતી. ઘટનાના દિવસે બન્ને એક સાથે દારૂ પીવા બેસ્યા હતા ત્યારે ઝઘડો વધી ગયો હતો, જેના પગલે પિતાએ તેના દીકરા પર ધારદાર હથિયાર વડે હુમલો કરી કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે હવે પોલીસે વૃદ્ધ આરોપીની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં પણ બન્યો ચોંકાવનારો કિસ્સો
‘દૃશ્યમ્’ ફિલ્મમાં જે રીતે પોલીસ-સ્ટેશનની નીચે દટાયેલી લાશ મળે છે એવી જ રીતે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં પણ બન્યું. ગિંલોદપુર ગામના પંજાબી સિંહે કલેક્ટર રોહિત (Mumbai Crime News) પાંડેયને અરજી કરીને કહ્યું કે ૩૦ વર્ષ પહેલાં તેની માતા અને ભાઈઓએ પિતાની હત્યા કરી હતી અને ઘરના આંગણામાં જ તેમને દાટી દીધા હતા. અરજીના આધારે ઘરઆંગણે ખોદવાનું ચાલુ કર્યું તો ૮ ફુટ ઊંડેથી સાચ્ચે જ માણસનું હાડપિંજર નીકળ્યું હતું. ૩૦ વર્ષ પહેલાં આ ઘટના બની ત્યારે પંજાબી સિંહ ૯ વર્ષનો હતો. તેના ઘરમાં ગામના ધનિક માણસ રાજવીરનો આવરોજાવરો હતો એ પિતા બુદ્ધ સિંહને નહોતું ગમતું. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો ત્યારે પ્રદીપ અને મુકેશ નામના બન્ને દીકરા માતા ઊર્મિલાનો જ પક્ષ લેતા હતા. એક દિવસ ઊર્મિલા અને રાજવીરે તેને બન્ને ભાઈ સાથે બીજા ઘરમાં મોકલી દીધા હતા. ત્યાર પછીથી તેણે પપ્પાને જોયા નહોતા. સમય જતાં એ આખી વાત ભૂલી ગયો, પણ ૧ જુલાઈએ તેને ભાઈઓ સાથે લેવડદેવડ બાબતે ઝઘડો થયો અને ભાઈઓએ પંજાબી સિંહને પપ્પા પાસે પહોંચાડી દેવાની ધમકી આપી ત્યારે તેને ૩૦ વર્ષ જૂની વાત યાદ આવી ગઈ હતી.