30 October, 2024 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હત્યાની પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાંથી ફરી ચોંકાવનારા સમાચાર (Mumbai Crime News) આવે છે. અહીં એક મહિલા સાથે એવું વર્તન કરવામાં આવ્યું છે જેની કલ્પના પણ ન થઈ શકે. પ્રાપ્ત અહેવાલો અનુસાર જ્યારે ભિવંડીની એક મહિલાએ લગ્નના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. બસ આટલી જ વાતમાં શખ્સે મહિલાને મોતને ઘાટ ઉતારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નીતુ સિંહ તેના માતા-પિતા અને બે ભાઈ-બહેનો રહેતી હતી. આ કેસનો દોષી ઉત્તર પ્રદેશનો વતની રાજુ સિંહ છે જે અહીં ખાનગી પેઢીમાં નોકરી કરતો હતો. આ નોકરી મળ્યા બાદ રાજુએ નીતુને ઘણી વખત લગ્ન માટે કહ્યું હતું. પણ દરેક વખતે નીતુએ તેના પ્રસ્તાવને લાત મારી દીધી હતી.
આ વખતનો ઠુકરાવ તો રાજુને મંજૂર ન થયો
વાત છે સોમવારની. રાત્રે જ્યારે નીતુ ઘરમાં હતી ત્યારે તેની પાસે રાજુ સિંહ આવ્યો હતો. હંમેશ મુજબ તેણે નીતુને પ્રપોઝ કર્યું હતું. અને આ વખતે તેણે લગ્નનો પ્રસ્તાવ નીતુ સામે મૂક્યો હતો. પણ નીતુએ આ પ્રસ્તાવને ઠુકરાવી દઈ ચોખ્ખી ના પાડી દીધી હતી. બસ, પછી રોષે ભરાયેલા રાજૂએ નીતુને છરી ભોંકી (Mumbai Crime News) દીધી હતી.
નીતુની નાની બહેનને પણ ઇજાઓ થઈ
આ સમયે નીતુને કિકિયારીઓ સાંભળીને તરત જ નીતુની નાની બહેન રસોડામાંથી બહાર દોડી આવી હતી. તેણે નીતુને બચાવવાનો પ્રયાસ કર્યો હતો તેમાં તેને પણ ઇજાઓ થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક નીતુના પપ્પાએ શાંતિ નગર પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજુ સિંહ પર ભારતીય ન્યાય સંહિતાની કલમ 103, 333 અને 118(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
Mumbai Crime News: અત્યારે એવી માહિતી સામે આવી છે કે આરોપી રાજૂ ફરાર છે, પોલીસની ટીમ સીસીટીવી ફૂટેજના સહારે રાજૂને પકડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મુદ્દે તપાસનો આદેશ ઈન્સ્પેક્ટર અતુલ અદુરકરને સોંપવામાં આવ્યો છે.
ઉલ્હાસનગરમાંથી પણ સામે આવી ચોંકાવનારી ઘટના
આવી જ એક બીજી ઘટના (Mumbai Crime News)ની વાત કરવામાં આવે તો મંગળવારે ઉલ્હાસનગરમાંથી પણ ચોંકાવનારા સમાચાર પ્રાપ્ત થયા હતા. અહીંના રહેવાસી અજય ચુહાણ પર હુમલાખોરોમાંના એકની પત્ની સાથેના તેના કથિત અફેરને લઈને હુમલો કર્યો હતો. એવા અહેવાલ મળ્યા છે કે ટોળકીએ અજય પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી.
આ વિશે મૃતકના ભાઈએ પોલીસમાં જાણ કરી હતી ત્યારે જઈને આ મામલો સામે આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ હત્યાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીઓની શોધ ચાલી રહી છે.