૧૮૧ બૅન્ક-અકાઉન્ટ્સનો ઉપયોગ સ્કૅમ માટે કરતી ગૅન્ગનો પર્દાફાશ

23 August, 2025 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં ફેલાયેલા ૬૦.૮૨ કરોડ રૂપિયાના સાઇબર ફ્રૉડના કેસમાં મુંબઈ પોલીસે કરી ૧૨ આરોપીઓની અરેસ્ટ : ૨૫ પાસબુક, ૩૦ ચેકબુક, ૪૬ ATM કાર્ડ, ૨૫ મોબાઇલ અને ૧૦૪ સિમ કાર્ડ મળી આવ્યાં

આરોપીઓ સાથે ક્રાઇમ બ્રા‍ન્ચની ટીમ

મુંબઈ પોલીસે દેશભરમાં ફેલાયેલી સાઇબર ફ્રૉડ ગૅન્ગનો પર્દાફાશ કર્યો છે અને ૧૨ જણની ધરપકડ કરી છે જેમાં એક દંપતીનો સમાવેશ છે. આ ગૅન્ગના સભ્યોએ દેશભરના અનેક લોકોને છેતરીને તેમની પાસેથી ૬૦.૮૨ કરોડ રૂપિયા પડાવ્યા હતા.

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાજતિલક રોશને કહ્યું હતું કે ‘અમે કાંદિવલી-ઈસ્ટમાં રેઇડ પાડી હતી જેમાં અમને ૪ લૅપટૉપ, પ્રિન્ટર, અલગ-અલગ બૅન્કોની ૨૫ પાસબુક, ૩૦ ચેકબુક, ૪૬ ATM કાર્ડ, ૧ સ્વાઇપ મશીન, ૨૫ મોબાઇલ અને મોબાઇલનાં ૧૦૪ સિમ કાર્ડ મળી આવ્યાં હતાં. તપાસમાં અમને જાણ થઈ હતી કે આ સિમ કાર્ડ અને બૅન્ક-અકાઉન્ટનો ઉપયોગ સાઇબર ક્રાઇમ માટે થતો હતો. આ ગૅન્ગના લોકો સામાન્ય લોકો પાસેથી ૭૦૦૦થી ૮૦૦૦ રૂપિયા આપીને અકાઉન્ટનો ઉપયોગ કરવા માટે ચેકબુક, પાસબુક, ATM કાર્ડ એ બધું લઈ લેતા હતા અને એ પછી તેઓ આગળ બીજી વ્યક્તિને વેચી દેતા હતા જેઓ સાઇબર ક્રાઇમ માટે એનો ઉપયોગ કરતા હતા. આ કેસની ઝીણ‍વટભરી તપાસ કરવામાં આવી હતી.’

આ કેસ કઈ રીતે મોટું સ્વરૂપ પકડતો ગયો એ વિશે જણાવતાં રાજ તિલક રોશને કહ્યું હતું કે ‘ઝીણવટભરી તપાસમાં અમને ૯૪૩ બૅન્ક-અકાઉન્ટ મળી આવ્યાં હતાં જેમાંથી ૧૮૧ બૅન્ક-અકાઉન્ટનો ઉપયોગ સ્કૅમ કરવા માટે થયો હોવાનું જણાયું હતું. ઑલઓવર ઇન્ડિયા આ બૅન્ક-અકાઉન્ટનો ઉપયોગ થયો છે. દરેક જગ્યાએ ડિજિટલ અરેસ્ટ, ઑનલાઇન શૉપિંગ, શૅર ટ્રેડિંગ મળીને સાઇબર ફ્રૉડની વિવિધ મોડસ ઑપરૅન્ડી વાપરીને આ છેતરપિંડી કરવામાં આવી છે. ૧૮૧ બૅન્ક-અકાઉન્ટમાં એના પૈસા ટ્રાન્સફર થયા હોવાનું જણાયું છે. સાઇબર ક્રાઇમ માટેની હેલ્પલાઇનના નંબર ૧૯૩૦ પર ઑલઓવર ઇન્ડિયામાં આ સંદર્ભે ૩૩૯ ફરિયાદો મળી હતી જેમાં મુંબઈની ૧૬ ફરિયાદ હતી. એ ૧૬ ફરિયાદો સામે ૧૪ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈને બાકાત રાખતાં મહારાષ્ટ્રમાં ૪૬ ફરિયાદ થઈ હતી જેમાંથી ૧૨ ગુના દાખલ થયા છે. બીજાં રાજ્યોની ૨૭૭ ફરિયાદ હતી એમાંથી ૩૩ ગુના દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે. હજી બાકીના ગુના દાખલ કરવાની પ્રોસેસ ચાલી રહી છે.’

કેવી રીતે થતી હતી છેતરપિંડી?

દેશભરમાંથી આ ટોળકીએ ૬૦.૮૩ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ ગૅન્ગ વ્યવસ્થિત રીતે ઑર્ગેનાઇઝ્‍ડ પ્રકારે આ ક્રાઇમ કરી રહી હતી એમ જણાવતાં રાજ તિલક રોશને કહ્યું હતું કે ‘શરૂઆતમાં આ ગૅન્ગ દ્વારા ગરજુ લોકોને પૈસા આપીને તેમની પાસેથી બૅન્ક-અકાઉન્ટ અને સિમ કાર્ડ ખરીદી લેતી હતી. એ પછી તેઓ એ વેચી મારતા હતા. એ પછી કૉલ સેન્ટર રાખીને એમાંથી લોકોને ફોન કરીને છેતરવામાં આવતા અને તેમની પાસેથી પડાવેલા પૈસા એ જ અકાઉન્ટમાં જમા કરાવતા હતા. આ કેસની તપાસ હજી ચાલી રહી છે જેમાં અનેક લોકોની સંડોવણી હોઈ શકે છે. હાલમાં જે ૧૨ જણને પકડ્યા છે એમાંથી પાંચ તો ઍક્ચ્યુઅલ અકાઉન્ટ હોલ્ડર છે જેમનાં બૅન્ક-અકાઉન્ટમાં એ પૈસા ટ્રાન્સફર થયા છે અને સાથે જ કેટલાક સિમ કાર્ડ હોલ્ડર પણ છે. બાકીના જે ૭ આરોપીઓ છે તેઓ સામાન્ય લોકો પાસેથી બૅન્ક-અકાઉન્ટ અને સિમ કાર્ડ ખરીદતા હતા. તેઓ એ પછી અન્ય વ્યક્તિને વેચી મારતા હતા. અમે આ કેસમાં વધુ તપાસ ચલાવી રહ્યા છીએ.’ 

mumbai crime news Crime News mumbai police mumbai mumbai news