25 October, 2025 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનીષા યાદવ પર ચાકુના આડેધડ વાર કર્યા બાદ પકડાઈ જવાના ડરે પોતાના ગળા પર ચાકુ ફેરવી દેનાર સોનુ બારાઈ પણ લોહીલુહાણ થઈ બેહોશ થઈને ઢળી પડ્યો હતો. (ડાબે); ઘટનાની જાણ થયા બાદ પોલીસે સ્પૉટ પર પહોંચીને તપાસ ચાલુ કરી હતી
કાલાચૌકી વિસ્તારમાં ગઈ કાલે સવારે એક પ્રેમીએ તેની ભૂતપૂર્વ પ્રેમિકા પર ચાકુના ઘા માર્યા હતા અને ત્યાર બાદ પોતે પકડાઈ જશે એની જાણ થતાં પોતાના ગળા પર પણ ચાકુ ફેરવી દીધું હતું. ઊંડો ઘા થવાને લીધે ઘણું લોહી વહી જવાથી પ્રેમીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલી પ્રેમિકાનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
કાલાચૌકીમાં પાડોશમાં રહેતાં ૨૪ વર્ષના સોનુ બારાઈ અને ૨૪ વર્ષની મનીષા યાદવ પ્રેમમાં હતાં. સોનુને શંકા હતી કે મનીષા અન્ય કોઈ સાથે રિલેશનશિપમાં છે એટલે બે અઠવાડિયાં પહેલાં તેમનો ઝઘડો થયો હતો અને તેમની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. ગઈ કાલે સવારે સોનુએ મનીષાને મળવા બોલાવી હતી. એથી મનીષા તેને મળવા ગઈ હતી. સોનુ ઑલરેડી ઉશ્કેરાટમાં હતો. તેણે ઘરેથી નીકળતી વખતે જ સાથે કિચનમાં વપરાતું ચાકુ લઈ લીધું હતું. બન્ને સવારના ૧૦.૩૦ વાગ્યે કાલાચૌકીથી ચિંચપોકલી સ્ટેશન જતા દત્તારામ લાડ માર્ગ પર મળ્યાં હતાં. એ વખતે ઉશ્કેરાઈ ગયેલા સોનુ બારાઈએ મનીષા પર ચાકુથી હુમલો કરી દીધો હતો. એથી ગભરાયેલી મનીષા એ જ હાલતમાં જીવ બચાવવા દોડી હતી અને નજીકના આસ્થા નર્સિંગ હોમમાં ઘૂસી ગઈ હતી.
ઉશ્કેરાયેલો સોનુ તેની પાછળ દોડ્યો હતો અને તેણે નર્સિંગ હોમમાં જઈને પણ મનીષા પર ચાકુના વાર કરી દીધા હતા. એથી તે વધુ ઘવાઈ હતી. એ વખતે નર્સિંગ હોમમાં હાજર લોકોએ સોનુને વારવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે કોઈને સાંભળવાની સ્થિતિમાં નહોતો. કોઈ તેની નજીક જઈને તેને પકડી નહોતું રહ્યું, કારણ કે તેના હાથમાં ચાકુ હતું અને તે ઉશ્કેરાયેલો હતો એટલે કોઈના પર પણ હુમલો કરી શકે એમ હતો. એ પછી કોઈકે તેને રોકવા રોડ પરથી પથ્થર ઉપાડીને માર્યો હતો. એ વાગ્યા પછી તેને ભાન થયું હતું કે તેની આજુબાજુ ઘણાબધા લોકો છે જેઓ તેને પકડી લેશે. એથી તેણે પોતાના જ ગળા પર ચાકુનો ઊંડો ઘા કરી દીધો હતો. એને કારણે તેના ઘામાંથી થોડી જ વારમાં બહુ લોહી વહી જવાથી તે બેહોશ થઈ ગયો હતો.
ટ્રાફિક ક્લિયર કરવા ગયેલો કૉન્સ્ટેબલ કિરણ સૂર્યવંશી ઘાયલ મનીષાને ટૅક્સીમાં હૉસ્પિટલ લઈ ગયો હતો
એ વખતે ભાયખલા ટ્રાફિક-પોલીસને મેસેજ મળ્યો હતો કે દત્તારામ લાડ માર્ગ પર ટ્રાફિક જૅમ થઈ રહ્યો છે એટલે તરત જ ચેક કરો. એથી ભાયખલાની ટ્રાફિક-પોલીસના કૉન્સ્ટેબલ કિરણ સૂર્યવંશીને મેસેજ આપવામાં આવતાં તે સ્પૉટ પર પહોંચ્યો હતો. એ વખતે કોઈએ તેને કહ્યું કે આસ્થા નર્સિંગ હોમમાં એક યુવાન છોકરીને ચાકુ મારી રહ્યો છે. એથી કિરણ સૂર્યવંશી તરત જ અંદર ગયો હતો. ત્યાં હિંમત કરીને તેણે સોનુને દૂર કર્યો હતો અને લોહીલુહાણ થઈ ગયેલી મનીષાને ટૅક્સીમાં ભાયખલાના રાણીબાગની બાજુમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં મનીષાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને એ પછી કાલાચૌકી પોલીસ તેને જે. જે. હૉસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં સારવાર દરમ્યાન સાંજે તેનું મોત થયું હતું. ઘાયલ સોનુને KEM હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. કાલાચૌકી પોલીસે આ બાબતે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.