20 September, 2024 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી ગૌતમ કિની
ભાઈંદરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતી ૩૪ વર્ષની મહિલાના ઘરમાં રવિવારે રાતે પ્રવેશી તેના હાથ-પગ અને મોં બાંધીને બળાત્કાર કરવા બદલ ભાઈંદર પોલીસે આરોપી ગૌતમ કિનીની ધરપકડ કરી હતી. ઝૂંપડપટ્ટીમાં મહિલાને એકલી જોઈને ગૌતમે પહેલાં તેને ધમકાવી હતી, ત્યાર બાદ તેના ઘરમાં પ્રવેશ્યો હતો અને પછી આખી રાત તેના ઘરમાં રહી દારૂ પીને બળાત્કાર કર્યો હતો. સોમવાર વહેલી સવારે મહિલાએ બાથરૂમ જવાનું બહાનું બનાવી ઘરની બહાર આવીને આજુબાજુમાં રહેતા લોકોની મદદ માગવાની કોશિશ કરી હતી. એ જોઈને આરોપી ત્યાંથી પલાયન થઈ ગયો હતો.
આરોપી રીઢો ગુનેગાર છે અને તેના પર આ પહેલાં ચોરી અને મારામારી જેવા ત્રણથી ચાર કેસ નોંધાયા છે એમ જણાવતાં ભાઈંદર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિવેક સોનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાને એકલી ઊભેલી જોઈને ત્યાંથી પસાર થતો ગૌતમ રવિવારે રાતે અગિયાર વાગ્યાની આસપાસ તેને ધમકાવીને તેના ઘરમાં પ્રવેશ્યો હતો. ત્યાર બાદ ગૌતમે તેના હાથ-પગ અને મોં દુપટ્ટાથી બાંધી મહિલાની ત્રણ વર્ષની દીકરી સૂતી હતી તેની બાજુમાં જ મહિલાને સુવડાવીને તેના પર બળાત્કાર કર્યો હતો. આરોપી એટલેથી અટક્યો નહોતો. તેણે મહિલાની સામે જ દારૂ પણ પીધો હતો. એ પછી તેના પર ફરી બળાત્કાર કર્યો હતો. સોમવારે વહેલી સવારે મહિલા બાથરૂમ જવું છે એમ બહાનું બનાવીને ઘરની બહાર આવી હતી. તેણે આજુબાજુમાં રહેતા લોકોના દરવાજા ખટખટાવ્યા હતા. એ વખતે તેના પર નજર પડતાં આરોપી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. જોકે બીજા જ દિવસે આરોપી ફરી એ જ વિસ્તારમાં ફરતો દેખાયો હતો. તેના પર સ્થાનિક લોકોની નજર પડતાં તેમણે આરોપીને પકડીને અમારા તાબામાં સોંપી દીધો હતો.’