23 August, 2025 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કુર્લાના કમાણીમાં આવેલા મૉલ ફીનિક્સ માર્કેટ સિટીની ગીવા જ્વેલરી શૉપમાં દાગીના ખરીદવા આવેલી મહિલા હાથચાલાકી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની વીંટી સેરવી ગઈ હોવાની ફરિયાદ ગુરુવારે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. શનિવારે સાંજે મહિલા દાગીના ખરીદવા માટે ગીવા જ્વેલરી સ્ટોરમાં આવી હતી. તેણે દુકાનના સેલ્સમૅનને વિવિધ દાગીનાના ભાવ પૂછીને વ્યસ્ત રાખ્યો હતો અને એ દરમ્યાન હાથચાલાકી કરીને સોનાની એક વીંટી સેરવી લીધી હોવાનું ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યું હતું. આ મામલે પોલીસે CCTV ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ઘાટકોપરના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાંજે સાડાસાત વાગ્યે ગીવા સ્ટોરમાં એક મહિલા તેના એક મિત્ર સાથે દાગીના ખરીદવા આવી હતી. શરૂઆતમાં તેણે બ્રેસલેટ જોયાં હતાં. એમાંથી કોઈ પસંદ ન આવતાં તેણે વીંટી જોવાની શરૂઆત કરી હતી. એમાંથી તેણે અમુક વીંટીના ભાવ સેલ્સમૅનને પૂછી-પૂછીને વ્યસ્ત રાખ્યો હતો. આશરે અડધા કલાક બાદ કોઈ વસ્તુની ખરીદી કર્યા વિના મહિલા દુકાનમાંથી જતી રહી હતી. દરમ્યાન રવિવારે સાંજે સ્ટૉક તપાસતાં ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતની એક વીંટી ગુમ હતી. અંતે દુકાનના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં શનિવારે સાંજે આવેલી મહિલા વીંટી સેરવી ગઈ હોવાનું જોવા મળ્યું હતું. એ પછી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’