03 January, 2026 09:10 AM IST | Mumbai | Samiullah Khan
હાર્દિક અશોક બોરડા
પરિવાર સાથે ગુજરાતમાં લગ્નમાં હાજરી આપવા ગયેલા મલાડના બિઝનેસમૅનને ગુજરાતના રીજનલ ટ્રાફિક ઑફિસ (RTO)નું બનાવટી ઈ-ચલાન મોકલીને તેમના અને તેમની પત્નીના અકાઉન્ટમાંથી ૨૧ લાખ રૂપિયા સેરવી લેનાર સાઇબર ગઠિયાઓની ગૅન્ગના એક યુવકને મુંબઈની સાઇબર પોલીસે સુરતથી ઝડપી લીધો છે.
મુંબઈ પોલીસના નૉર્થ સાઇબર પોલીસ-સ્ટેશનના ઑફિસરે કહ્યું હતું કે ‘મલાડ-ઈસ્ટમાં રહેતા ૪૨ વર્ષના બિઝનેસમૅન પરિવાર સાથે નવેમ્બરમાં ગુજરાતમાં લગ્નમાં ગયા હતા. ૧૭ નવેમ્બરે તેઓ લગ્નમાં બિઝી હતા ત્યારે તેમને વૉટ્સઍપ પર અજાણ્યા નંબર પરથી RTO ચલાન લખેલો મેસેજ મળ્યો હતો. તેમને લાગ્યું કે ખરેખર ઈ-ચલાન હશે એટલે તેમણે એમાંની ડિટેઇલ્સ જોવાની સાથે આપેલી લિન્ક ક્લિક કરી હતી. લિન્ક ક્લિક કરતાં જ તેમના મોબાઇલમાં ઍન્ડ્રૉઇડ પૅકેજ કિટ (APK) ફાઇલ ડાઉનલોડ થઈ હતી જેને કારણે સાઇબર ગઠિયાઓને તેમના ફોનનો ઍક્સેસ મળી જતાં બૅન્ક-ડિટેઇલ્સ પણ મળી ગઈ હતી. થોડી મિનિટોમાં તેમના અકાઉન્ટમાંથી ૧૧,૩૩,૮૮૦ અને તેમની પત્નીના અકાઉન્ટમાંથી ૧૦,૩૯,૩૨૬ રૂપિયા નીકળી ગયા હતા. જોકે ત્યારે તેમને અંદાજ આવી ગયો હતો કે કશુંક ખોટું થયું છે.’
૧ ડિસેમ્બરે તેઓ બૅન્કમાં પાસબુક અપડેટ કરાવવા ગયા હતા ત્યારે તેમને ખબર પડી કે તેમના અકાઉન્ટમાંથી રૂપિયા ઊપડી ગયા છે. એ પછી બૅન્કમાં જાણ કરતાં બૅન્કે તેમને સાઇબર ફ્રૉડ થયો હશે એવું જણાવ્યું હતું. તેમણે તરત જ સાઇબર ફ્રૉડ હેલ્પલાઇન-નંબર ૧૯૩૦ પર અને ત્યાર બાદ મુંબઈ પોલીસના નૉર્થ સાઇબર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સાઇબર પોલીસે તરત જ બૅન્કનો સંપર્ક કરી નોડલ ઑફિસર સમક્ષ રજૂઆત કરીને એ રૂપિયા કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા એની ડિટેઇલ્સ કઢાવી હતી. એમાં સુરતમાં રહેતા હાર્દિક અશોક બોરડાના અકાઉન્ટમાં ૮.૫ લાખ રૂપિયા જમા થયા હોવાનું જણાતાં પોલીસ સુરત પહોંચી ગઈ હતી અને હાર્દિકને ઝડપી લીધો હતો. તપાસમાં જણાયું હતું કે ઘણા બધા લોકોને સાંકળતો આ બહુ જ વેલ-પ્લાન્ડ સાઇબર ફ્રૉડ હતો અને હાર્દિક એમાંની એક મહત્ત્વની કડી હતો. તેણે આગળ કોને-કોને પૈસા ટ્રાન્સફર કર્યા અને કયા અકાઉન્ટમાં કર્યા એની વધુ પૂછપરછ ચાલી રહી છે.