મુંબઈની કંપનીએ કર્મચારીઓ માટે ૧૧ દિવસનું ડિજિટલ ડીટૉક્સ જાહેર કર્યું

17 December, 2025 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કામને લગતી તમામ ઈ-મેઇલ, ફોન, મેસેજથી દૂર રહેવાની છૂટ સાથે નાતાલનું વેકેશન માણશે સાઇબર સિક્યૉરિટીની કંપનીમાં કામ કરતા આ એમ્પ્લૉઈઝ

ડિજિટલ ડીટૉક્સની જાહેરાતને સેલિબ્રેટ કરતા એમ્પ્લૉઈઝ.

ઑફિસની ઈ-મેઇલ્સ, મેસેજ અને નોટિફિકેશન્સ સતત ચાલતાં જ રહે છે. આવા સમયમાં વિશ્વભરમાં કંપનીઓ એમ્પ્લૉઈઝના માનસિક સ્વાસ્થ્ય બાબતે જાગૃત બની રહી છે અને સતત ડિજિટલ એન્ગેજમેન્ટની આડઅસરને ઓળખવા લાગી છે. આ જ કારણે હવે ઘણી ગ્લોબલ કંપનીઓ ડિજિટલ ડીટૉક્સ બ્રેક જેવી પૉલિસી અપનાવી રહી છે.

આવું જ એક ઉદાહરણ મુંબઈની કંપનીએ પણ પૂરું પાડ્યું છે. સાઇબર સિક્યૉરિટી કંપની સાઇબરફ્રેટના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ગૌરવ બત્રાએ ૨૫ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી સુધી ૧૧ દિવસના ડિજિટલ ડીટૉક્સની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે ‘આ દિવસોમાં અમારા એમ્પ્લૉઈઝ સ્ક્રીન અને વર્ક-રિલેટેડ મેસેજ અને ઈ-મેઇલ્સથી દૂર રહેશે. આ સમય તેમને રીચાર્જ થવામાં મદદ કરશે.’

યુરોપના ઘણા દેશોમાં ફોર ડેઝ અ વીક વર્કિંગ થઈ ગયું છે તો ફ્રાન્સ સહિતના દેશોમાં નો ઈ-મેઇલ્સ અવર્સ નક્કી કરવામાં આવ્યા છે જેનાથી નોકરી કરનારા વર્ગમાં બર્નઆઉટ જેવી સમસ્યાઓ ટાળી શકાય. મેડિકલ એક્સપર્ટ્‍સ તો આવી પૉલિસીને ખાસ સમર્થન આપે છે.

mumbai news mumbai mental health healthy living christmas jobs social media