09 February, 2026 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અટલ સેતુ
મુંબઈ-પુણે એક્સપ્રેસવે ટ્રાફિક જૅમ બાદ આવી ઇમર્જન્સીમાં કેવાં પગલાં લેવાં એનાં સૂચનો અને પ્રતિક્રિયાઓ આવી રહ્યાં છે. હવે શિવસેના(UBT)ના મિલિન્દ નાર્વેકરે અટલ સેતુ પર આવી કટોકટી ન સર્જાય એ માટે હેલિપૅડની માગ કરી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં નાર્વેકરે ભાર મૂક્યો હતો કે જો મુંબઈ-પુણે એક્સપ્રેસવે જેવી ઘટના અટલ સેતુ પર બને છે તો દરિયાની વચ્ચે ફસાયેલા મુસાફરોને ઍર લિફ્ટ કરીને બચાવવા માટે હેલિપૅડની જરૂર પડશે. મિલિન્દ નાર્વેકરે પોતાની વાતને ટેકો આપતાં કહ્યું હતું કે ‘હું પોતે સવારે ૧૦ વાગ્યે નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રાતાઈને મળવા એક્સપ્રેસવેથી બારામતી જઈ રહ્યો હતો. મેં મારી આંખે ટૅન્કરની સ્થિતિ જોઈ હતી. એટલે જ તાત્કાલિક ધોરણે અટલ સેતુ પર એક ઇમર્જન્સી ઇવૅક્યુએશન સિસ્ટમ વિશે વિચારવું જોઈએ.’
કોસ્ટલ રોડ અને બાંદરા-વરલી સી-લિન્કનો ઉપયોગ કરતા મુસાફરોને ઇમર્જન્સી ઇવૅક્યુએશનના વિકલ્પ તરીકે હેલિપૅડ મળી શકે છે. જો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શહેરના બે મહત્ત્વના ટ્રાન્સપોર્ટ કૉરિડોર નજીક હેલિપૅડ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપે તો મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઊભી થયેલી કટોકટી જેવી સ્થિતિ મુંબઈમાં ટાળી શકાય.
મુંબઈ ઉપનગરના પાલકપ્રધાન આશિષ શેલારે તાજેતરમાં પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર ગૅસ-ટૅન્કરને કારણે થયેલા ટ્રાફિક-જૅમને ટાંકીને મુંબઈમાં હેલિપૅડને મંજૂરી આપવા વિનંતી કરી છે.
મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં આશિષ શેલારે જણાવ્યું હતું કે ‘સી-લિન્ક અને કોસ્ટલ રોડ પર અકસ્માતો, આગ અથવા કુદરતી આફતોના સમયે ઇમર્જન્સી ઇવૅક્યુએશન સિસ્ટમની જરૂર પડી શકે છે. ખાસ કરીને કોસ્ટલ રોડ અન્ડરગ્રાઉન્ડ અને દરિયાકિનારા પર છે. કટોકટીમાં બચાવ-ટીમોને પહોંચવામાં મોડું થઈ શકે છે અને ઘાયલોને હૉસ્પિટલોમાં ખસેડવામાં હેલિપૅડ જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો મોટી મદદ મળી શકે છે.’ આશિષ શેલારે કહ્યું હતું કે બાંદરા રીક્લેમેશન ખાતે હેલિપૅડ માટે જગ્યા પહેલેથી જ ઉપલબ્ધ છે. તેમણે રાજ્ય સરકારને આ દરખાસ્ત પર તાત્કાલિક નિર્ણય લેવાની વિનંતી કરી હતી.