25 November, 2025 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્પેશ્યલ મૅટ્રેસ
મુંબઈની એક ઇન્ટીરિયર ડિઝાઇનરે ઇન્સ્ટાગ્રામ પર એક એવી રીલ શૅર કરી છે જે જોઈને આપણી આંખનાં ભવાં તણાઈ જાય. આ ડિઝાઇનર બહેન રીલમાં એક એવી સ્પેશ્યલ મૅટ્રેસ બતાવે છે જેને તેમણે મૅટ્રેસની રોલ્સ-રૉયસ ગણાવી છે. આ મૅટ્રેસ સ્વાભાવિક રીતે ખૂબ જ આરામદાયક હોવાની અને બ્યુટિફુલ હોવાની વાત થાય છે એ તો ઠીક છે, પણ આ મૅટ્રેસની કિંમત કહેવાઈ છે બે-પાંચ લાખ નહીં, પૂરા ૭ કરોડ રૂપિયા. આ કિંમત સાંભળીને ભલભલાને તમ્મર આવી ગયાં હતાં.
હકીકતમાં આ મૅટ્રેસ આશરે પોણાબસો વર્ષ જૂની લક્ઝરી બેડ ઍન્ડ મૅટ્રેસ બ્રૅન્ડ હેસન્સની છે. મૅટ્રેસ સંપૂર્ણપણે સ્વીડિશ હસ્તકલાના કારીગરોએ હાથે ગૂંથી છે. કારીગરોને આ એક મૅટ્રેસ તૈયાર કરવા માટે આશરે ૩૦૦ જેટલા કલાક લાગ્યા હતા. આ મૅટ્રેસમાં ઊન ઉપરાંત ઘોડાના વાળ પણ ઉમેરવામાં આવ્યા છે અને એની બનાવટ એટલી વિશિષ્ટ છે કે એમાં ગમેએટલો સમય સૂઓ તો પણ પરસેવો નથી થતો. વિશ્વભરમાં સેલિબ્રિટિઝથી લઈને પૉલિટિશ્યન્સ માટે આ બ્રૅન્ડ સ્ટેટસ-સિમ્બૉલ સમાન બની ગઈ છે.