09 August, 2026 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સના હીરાના વેપારી સ્મિત શાહ પર લગભગ ૪ કરોડ રૂપિયાના હીરા લઈને ફરાર થવાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્મિત શાહે અનેક વેપારીઓ પાસેથી વેચાણ માટે હીરા લીધા હતા અને બાદમાં પૈસા ચૂકવવાનું વચન આપ્યું હતું. શરૂઆતમાં તેણે સમયસર ચુકવણી કરીને વિશ્વાસ જીત્યો હતો. ત્યાર બાદ સ્ટેલર જેમ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસેથી અનેક હપ્તામાં લગભગ ૯૮૩ કૅરૅટના હીરા લીધા હતા જેની કિંમત લગભગ ૪ કરોડ રૂપિયા થાય છે. જોકે નક્કી કરેલી મુદતમાં પૈસા નહોતા ચૂકવ્યા અને ૨૦૨૬ના જૂન પછી તેણે ફોન અને મેસેજનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું એવું ફરિયાદમાં કહેવામાં આવ્યું છે.
ફરિયાદ સ્ટેલર જેમ્સના સેલ્સ-મૅનેજર મૃગેશ શાહે નોંધાવી છે. ફરિયાદ મુજબ સ્મિત શાહે વેપારીઓને છેતરવા માટે નકલી કંપની બનાવી હતી અને હીરા લઈને ફરાર થઈ ગયો હતો.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે તેણે ભારત ડાયમન્ડ બુર્સના અન્ય વેપારીઓ પાસેથી પણ આ જ રીતે હીરા લીધા હતા. આ મામલે BKC પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.