✕

જ્વેલરીની દુકાનના કર્મચારી પાસેથી ૧૨.૧૫ લાખ રૂપિયા પડાવીને ક્રિપ્ટોકરન્સી ખરીદી

30 October, 2026 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાશીમીરા પોલીસે પવઈમાંથી બે આરોપીઓને ઝડપ્યા

પ્રતીકાત્મક તસવીર

મીરા રોડના રામદેવ પાર્કમાં આવેલી ભવાની ગોલ્ડ નામની દુકાનના માલિક સાથે ૧૨.૧૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં કાશીમીરાના ક્રાઇમ ડિટેક્શન સેલે પવઈમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ રિતેશ મિશ્રા અને નીરજ ઝા તરીકે થઈ છે. આ બન્ને આરોપીઓ ઘટનાને અંજામ આપ્યા બાદ નાસતા ફરતા હતા અને પોલીસતપાસ દરમ્યાન તેઓ ઇન્દોર તથા ઉત્તર પ્રદેશના વારાણસીમાં છુપાઈને રહેતા હોવાનું બહાર આવ્યું હતું.

કાશીમીરાના ક્રાઇમ ડિટેક્શન સેલના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૬ ઑક્ટોબરે ભવાની ગોલ્ડના માલિક મહેન્દ્ર સિંહે તેના કર્મચારી રમાકાંત શુક્લાને વ્યવસાયિક કામ માટે મલાડથી ૧૨.૧૫ લાખ રૂપિયા રોકડા લાવવા મોકલ્યો હતો. રમાકાંત શુક્લા રોકડ રકમ લઈને પાછો ફરી રહ્યો હતો ત્યારે તેની સાથે આવેલા આ બન્ને પરિચિત મિત્રોએ રસ્તામાં ટ્રાફિક-પોલીસ હોવાનું ખોટું નાટક રચ્યું હતું. તેમણે વાહન રોકીને કર્મચારીને નીચે ઉતાર્યો હતો અને પૈસા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે કર્મચારી અને દુકાનમાલિકની ફરિયાદના આધારે અમે ગુનો નોંધીને તપાસ કરી હતી. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સોમવારે રાત્રે બાતમી અને અત્યાધુનિક ટેક્નિકલ સર્વેલન્સના આધારે અમે પવઈ વિસ્તારમાં છટકું ગોઠવીને બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમ્યાન જાણ થઈ કે આરોપીઓએ લૂંટની રકમનો મોટો હિસ્સો વિવિધ જગ્યાએ ખર્ચ્યો છે અને કેટલાક પૈસાનું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હતું. આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમ્યાન તેમની પાસેથી લૂંટાયેલી રકમમાંથી ખરીદવામાં આવેલો તથા અન્ય કીમતી સામાન જપ્ત કર્યો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આરોપીઓએ આ છેતરપિંડીનાં નાણાંમાંથી ૪,૮૧,૯૧૮ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી ખરીદી હતી જે અમે જપ્ત કરી છે.’

mumbai news mumbai mira road Crime News mumbai crime news mumbai police