25 September, 2026 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણેશ ચતુર્થી મુંબઈ
કાંદિવલી-વેસ્ટમાં વેસ્ટએન્ડ હાઇટમાં રહેતાં કૃષ્મી મધાની અને દેવાંગ શાહના ઘરે પાંચ દિવસ માટે એકદમ ક્યુટ બાળગણેશજીનું આગમન થયું હતું. લીલાં વૃક્ષો, વેલાઓ, ઝરણાં, તળાવ, જુગનૂ જેવી ચમકતી પીળી ફેરી લાઇટ્સ અને સનફ્લાવરની મદદથી સુંદર જંગલનું દૃશ્ય ઊભું કરીને વચ્ચે બાળગણેશને બિરાજમાન કર્યા હતા. દેવાંગ શાહ કહે છે, ‘આ ડેકોરેશન અમારા માટે ખૂબ પર્સનલ છે. અમારાં છેલ્લાં થોડાં વર્ષો કપરાં રહ્યાં છે. એવામાં બાપ્પાનું આ શાંત અને ચિંતામુક્ત સ્વરૂપ અમને શાંતિ અને સકારાત્મકતા આપે છે; જ્યારે બાપ્પાની આસપાસનાં સૂર્યમુખીનાં ફૂલો આશાવાદ, ઉષ્મા અને હંમેશાં અજવાળા તરફ આગળ વધવાનું પ્રતીક છે.’
ભાઈંદર-વેસ્ટમાં મહાવીરનગર બિલ્ડિંગમાં રહેતા જય ઉપાધ્યાયે ગુજરાતી ગ્રામ્ય સંસ્કૃતિ તથા જૂના જમાનાની યાદોને જીવંત કરવાના ઉદ્દેશ સાથે ગામડાની થીમનું ડેકોરેશન કરીને એમાં ગણરાયાને વિરાજમાન કર્યા હતા. આ વિશે માહિતી આપતાં જયભાઈ કહે છે, ‘અમે ડેકોરેશનમાં ગામડાનાં ઘરો, બળદગાડાં, ખાટલા, અનાજ દળવાની ઘંટી, છાશ વલોવવાનું વલોણું, ભરતકામ વગેરે દ્વારા ગામડાની રહેણીકરણી દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો. ખાસ કરીને ઉના તાલુકામાં આવેલા અમારા મોટા ગામનું દૃશ્ય ઊભું કરવાનો અમે નાનકડો પ્રયાસ કર્યો હતો.’
મલાડ-વેસ્ટમાં નીલાંજના સોસાયટીમાં રહેતા પાર્થ ગોહિલે પોતાના હાથે લંબોદરની મૂર્તિ બનાવીને બાપ્પાને ઘરમાં બિરાજમાન કર્યા છે. પાર્થ સ્કેચ-આર્ટિસ્ટ છે. ગણપતિ વિશે માહિતી આપતાં તે કહે છે, ‘મેં મૂર્તિ બનાવવા માટે ન્યુઝપેપર, કાર્ડબોર્ડ અને ટિશ્યુપેપરનો ઉપયોગ કર્યો છે. બાપ્પાની વીણાથી લઈને જ્વેલરી, આઉટફિટ બધું જ મેં જાતે ડિઝાઇન કર્યું છે. આ મૂર્તિ બનાવતાં મને લગભગ ૪ મહિના જેટલો સમય લાગ્યો હતો. આ મૂર્તિની હાઇટ ૪.૮ ફુટ છે, જ્યારે એનું વજન આશરે ૧૨ કિલો જેટલું છે. ડેકોરેશનમાં મેં સ્વર્ગ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. મારા ઘરે અનંત ચતુર્દશી સુધી બાપ્પા રહે છે. હું છેલ્લાં ૬ વર્ષથી મારા ઘરના ગણપતિ જાતે જ બનાવું છું.’